Sat Aug 29 2026

Logo

ગૅસ સિલિન્ડરનું ગેરકાયદે વેચાણ: પહેલો ગુનો પંઢરપુરમાં નોંધાયો

2026-03-12 17:56:00
Author: Yogesh C. Patel
ગૅસ સિલિન્ડરનું ગેરકાયદે વેચાણ: પહેલો ગુનો પંઢરપુરમાં નોંધાયો

મુંબઈ: અખાતી દેશમાં યુદ્ધની સ્થિતિને કારણે એલપીજી ગૅસની અછત ઊભી થતાં ઊંચી કિંમત વસૂલીને ગેરકાયદે ગૅસ સિલિન્ડર વેચનારાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના પંઢરપુરમાં રિક્ષામાં ભરીને આ રીતે ગેરકાયદે સિલિન્ડર વેચનારા વિરુદ્ધ પહેલો ગુનો નોંધવામાં આવ્યો હતો.

પંઢરપુરના સાંગોલા નાકા ખાતે રિક્ષામાં ભરીને ગૅસ સિલિન્ડર ગેરકાયદે વેચવામાં આવતી હોવાની માહિતીને આધારે જિલ્લા પુરવઠા વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન ઘરેલુ વપરાશનાં આઠ અને કમર્શિયલ પાંચ ગૅસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ પ્રકરણે પંઢરપુર પોલીસ સ્ટેશનમાં ગણેશ બોરીકર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

બોરીકરે સિલિન્ડર કઈ ગૅસે એજન્સી પાસેથી મેળવ્યાં હતાં તેની તપાસ કરવામાં આવી રહી છે. ગેરકાયદે સિલિન્ડર પૂરી પાડનારી એજન્સી સામે પણ ગુનો નોંધવામાં આવશે, એવું અધિકારીએ જણાવ્યું હતું. દરમિયાન વ્યાવસાયિક વપરાશ માટેનાં ગૅસ સિલિન્ડરનો પુરવઠો બંધ કરવામાં આવતાં ગોંદિયાની હોટેલોમાં ઘરેલુ વપરાશનાં સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. ગોંદિયા જિલ્લા પ્રશાસને ગોંદિયા અને તિરોડાની બે હોટેલ પર કાર્યવાહી કરીને સાત સિલિન્ડર જપ્ત કર્યાં હતાં.