Mon Sep 28 2026

Logo

આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીના મોત મામલે માતાએ ન્યાયની માગણી કરી, કહ્યું- ‘મારા દીકરાને મારી નાખવામાં આવ્યો’

2026-09-19 19:13:43
Author: Mumbai Samachar Team
આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીના મોત મામલે માતાએ ન્યાયની માગણી કરી, કહ્યું- ‘મારા દીકરાને મારી નાખવામાં આવ્યો’

મુંબઈ: આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મોતના મામલે તેની માતાએ તેના પર ત્રાસ ગુજારવાના આક્ષેપો કર્યા છે. મૃતક વિદ્યાર્થીની માતાનું કહેવું છે કે તેમના દીકરાને મારવામાં આવ્યો છે અને તેમણે સમગ્ર મામલે ન્યાયની માગ કરી છે. સાહિલ વાકોડે આઈઆઈટી બોમ્બેમાં બી.ટેકનો વિદ્યાર્થી હતો અને હાલમાં તેની પરીક્ષાઓ ચાલી રહી હતી. અહેવાલ મુજબ, પરીક્ષા દરમિયાન સાહિલને કથિત રીતે નકલ કરતા પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ શિક્ષકોએ તેની સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ ઘટનાથી પરેશાન થઈને તે હોસ્ટેલ પરત ગયો હતો અને સાંજે તેના આત્મહત્યાના સમાચાર સામે આવ્યા હતા.

મૃતક વિદ્યાર્થીની માતાએ ન્યાયની માગ કરી

આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મોત બાદ તેની માતાએ પોતાના દીકરા સાથે કથિત રીતે ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે, જેથી તેમના દીકરાને ન્યાય મળી શકે. આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતુ. વિદ્યાર્થીઓ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. અને પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. 

આઈઆઈટી બોમ્બેના જણાવ્યા અનુસાર, સાહિલે પરીક્ષાનું પ્રશ્નપત્ર ચેટ જીપીટી પર અપલોડ કર્યું હતું. જોકે, આ મામલે તેની સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પરીક્ષા સાંજે 4 વાગ્યે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ સાહિલ પોતાના રૂમમાં ગયો હતો. સાંજે તે હોસ્ટેલના રૂમમાં ફાંસો લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો.

‘શૈક્ષણિક કારકિર્દી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે’ એવો વિશ્વાસ અપાયો હતો

આઈઆઈટી બોમ્બેના જણાવ્યા અનુસાર, આ મામલે વિદ્યાર્થી સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી નહોતી. સંબંધિત શિક્ષક અને વિભાગના વડાએ સાહિલ સાથે વાતચીત કરી હતી, તેને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું અને આ ઘટનાની તેની શૈક્ષણિક કારકિર્દી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે એવો વિશ્વાસ અપાવ્યો હતો. આ વાતચીત બાદ સાહિલ પોતાના હોસ્ટેલના રૂમમાં પરત ગયો હતો. જોકે, મોડી સાંજે તે પોતાના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. વિદ્યાર્થીના નિધન પર આઈઆઈટી બોમ્બેએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.