Tue May 19 2026

Logo

ઈક્રાએ નાણાકીય વર્ષ 2027ની આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો

2026-05-19 20:38:01
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવ્યો હોવાથી વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી વૃદ્ધિદરનો અંદાજ જે અગાઉ 6.5 ટકાનો મૂકવામાં આવ્યો હતો તે હવે ઘટાડીને 6.2 ટકા કરવામાં આવ્યો હોવાનું અગ્રણી રેટિંગ એજન્સી ઈક્રાએ એક યાદીમાં જણાવ્યું છે. 
નોંધનીય બાબત એ છે કે નેશનલ સ્ટેટેસ્ટિક્લ ઑફિસ (એનએસઓ)એ ગત નાણાકીય વર્ષ 2026 માટે મુકેલા 7.6 ટકાના દ્વીતિય આગોતરા અંદાજની સરખામણીમાં રેટિંગ એજન્સી ઈક્રાએ સાધારણ ઓછો 7.5 ટકા વૃદ્ધિદરનો અંદાજ મૂક્યો છે. 

પશ્ચિમ એશિયાની ભૂરાજકીય મડાગાંઠને ધ્યાનમાં લેતાં વર્ષ દરમિયાન ક્રૂડતેલના સરેરાશ ભાવનો અંદાજ જે અગાઉ બેરલદીઠ 85 ડૉલરનો મૂક્યો હતો તે હવે વધારીને 95 ડૉલર કર્યો હોવાથી અમે નાણાકીય વર્ષ 2027 (પાયાનું વર્ષ કોન્સ્ટન્ટ 2022-23 ધોરણે)માં જીડીપી વૃદ્ધિદરનો અંદાજ જે અગાઉ 6.5 ટકા મૂક્યો હતો તે હવે ઘટાડીને 6.2 ટકા કર્યો છે, એમ ઈક્રાનાં ચીફ ઈકોનોમિસ્ટ અદિતી નાયરે જણાવ્યું હતું. 

વધુમાં રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષ 2026નાં ચોથા ત્રિમાસિક ગાળાનો જીડીપી વૃદ્ધિદર આગલા ત્રિમાસિક ગાળાના 7.8 ટકાના વૃદ્ધિદરની સરખામણીમાં સાત ટકા રહેવાની ધારણા છે. ચોથા ત્રિમાસિક ગાળામાં કૃષિ ક્ષેત્રે ધીમો સુધારો રહ્યો હોવા છતાં બન્ને ત્રિમાસિક ગાળા વચ્ચે ઔદ્યોગિક અને સર્વિસીસ ક્ષેત્રે ધીમી રહેતાં એકંદરે વૃદ્ધિદર થોડો મંદ પડવાનો અંદાજ મૂક્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું. 

જોકે, ઉત્પાદનના વૉલ્યૂમમાં ધીમો વધારો, નિકાસમાં ઘટાડો અને પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવને કારણે માર્જિન દબાણ હેઠળ રહે તેવાં નવા સંકેતોને ધ્યાનમાં લેતા ચોથા ત્રિમાસિકગાળામાં ઔદ્યોગિક ગ્રોસ વૅલ્યુ એડેડ (જીવીએ) વૃદ્ધિની કામગીરી પર માઠી અસર થઈ હોવાની શક્યતાને ધ્યાનમાં લેતા નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળામાં સાત ટકાનો અંદાજ રાખવામાં આવ્યો છે. 

પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે ધીમી વૈશ્વિક વૃદ્ધિ અને શિપમેન્ટમા વિક્ષેપોએ વર્ષ 2025-26નાં માર્ચ અંતના ત્રિમાસિક ગાળામાં નિકાસ પર માઠી અસર થઈ હતી અને દેશની મર્કન્ડાઈઝ નિકાસમાં જે આગલા ત્રિમાસિક ગાળામાં 1.4 ટકાનો વધારો જોવા મળ્યો હતો તેની સરખામણીમાં 2.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હોવાનું ઈક્રાએ યાદીમાં ઉમેર્યું હતું.