Sun Mar 08 2026

Logo

યુદ્ધ શરૂ થતાં વર્લ્ડ કપના ખેલાડીઓ-સ્ટાફ માટે આઇસીસીએ નવેસરથી પ્લાન બનાવવાનું શરૂ કર્યું

1 week ago
Author: Ajay Motiwala
Article Image

દુબઈઃ ભારત અને શ્રીલંકામાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપની મુખ્ય આયોજક ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ શનિવારે જણાવ્યું હતું કે ઇરાન પરના અમેરિકા તથા ઇઝરાયલના આક્રમણને પગલે ટી-20 વિશ્વ કપમાંથી પાછા આવી રહેલા ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફ સહિતના અધિકારીઓ માટે એ વૈકલ્પિક ફ્લાઇટને લગતી યોજના પર વિચાર કરી રહી છે.

વર્લ્ડ કપ સાતમી ફેબ્રુઆરીએ શરૂ થયો હતો અને આઠમી માર્ચે ફાઇનલ રમાવાની છે. આ ટૂર્નામેન્ટમાં 20 દેશની ટીમોએ ભાગ લીધો છે અને હવે નૉકઆઉટ રાઉન્ડમાં ભારત સહિત પાંચથી છ ટીમ બાકી રહી હોવાથી આઇસીસીએ એના ખેલાડીઓના વિમાની પ્રવાસને લગતા નવા વિકલ્પો (Options) વિચાર્યા છે. મધ્ય પૂર્વના યુદ્ધમાં ઘણા દેશો સામેલ હોવાથી અને કેટલાક દેશોએ પોતાના હવાઈ માર્ગો બંધ કરી દીધા હોવાથી આઇસીસીએ ખેલાડીઓ માટે નવા વિકલ્પો વિચારવા પડી રહ્યા છે.

આઇસીસીના પ્રવક્તાએ એક યાદીમાં જણાવ્યું હતું કે `આ વર્લ્ડ કપ (World Cup) સાથે સંકળાયેલી દરેક વ્યક્તિની સલામતી અને સુરક્ષા આઇસીસીનો અગ્રક્રમ છે. આમાંની એકેએક વ્યક્તિ હેમખેમ પોતાના નિયત સ્થાને પહોંચી જાય એની અમે પૂરી તકેદારી રાખીશું.'

આઇસીસી બહુ સારી રીતે જાણે છે કે ખેલાડીઓ, ટીમ-મૅનેજમેન્ટના અધિકારીઓ, અમ્પાયર્સ તથા કૉમેન્ટેટર્સ, બ્રૉડકાસ્ટિંગ ટીમના કર્મચારીઓ તેમ જ અન્ય સ્ટાફ મેમ્બર્સ હવાઈ મુસાફરી માટે ગલ્ફ ઍરલાઇન્સો પર તેમ જ દુબઈ સહિતના અખાતના ઍરપોર્ટ પર નિર્ભર રહેતા હોય છે. આ બાબતને ધ્યાનમાં લઈને આઇસીસીએ `ટ્રાવેલ તથા લૉજિસ્ટિક' ટીમને સતત કાર્યરત રાખી છે અને થોડા થોડા સમયે અપડેટ આપતી રહે છે.