Mon Apr 20 2026

Logo

ગુજરાતમાં મતદાનના દિવસે કેવી પડશે ગરમી? જાણો અંબાલાલની લેટેસ્ટ આગાહી

2026-04-20 13:20:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે. હાલ તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. હાલ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ થોડું ઘટ્યું છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં મતદાનના દિવસે મતદારોએ ગરમીનો સામનો કરવો પડી શકે છે. 26 એપ્રિલે રાજ્યમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. 

મતદાનના દિવસે આકરી ગરમીની આગાહીના પગલે રાજકીય પક્ષોની ચિંતા વધી છે. રાજકીય પક્ષો સવારે 10 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી મહત્તમ મતદાન થાય તેવા પ્રયાસ કરી રહ્યા છે. અંબાલાલ પટેલ પ્રમાણે, મતદાનના દિવસે  મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ 42 ડિગ્રી આસપાસ ગરમી રહેશે. સૌરાષ્ટ્રમાં 38થી 42 ડિગ્રી, કચ્છમાં 40 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 38થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે,  મોટાભાગના મતદારો સવારે 10 વાગ્યા પહેલા જ મતદાન કરી દે તે માટે કાર્યકર્તાઓ પ્રયાસ કરશે. તેમજ તેમજ મતદાન મથકો પર છત્રી, ઠંડુ પાણી અને ORS જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સૂચનાઓ આપવામાં આવી છે.

ગરમીની આગાહી વચ્ચે સૌથી મોટો પ્રશ્ન મતદાન ટકાવારીનો રહેશે. ગરમીના પ્રકોપ વચ્ચે મતદારોને મતદાન માટે પ્રેરિત કરવું દરેક ઉમેદવાર માટે અગત્યનું બનશે. હવે જોવાનું એ રહેશે કે આ ચૂંટણીમાં મતદારો કેટલો ઉત્સાહ દર્શાવે છે અને ગરમીની વચ્ચે લોકશાહીના આ પર્વને કેટલું સફળ બનાવે છે.

 રાજ્ય ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ, રાજ્યભરમાં કુલ 9,297 બેઠકો માટે 25,579 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જામવાની છે. આ બેઠકો માટે 26 એપ્રિલે મતદાન યોજાશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ 10,005 બેઠકોમાંથી 707 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. આ બિનહરીફ બેઠકોમાં ભાજપે મજબૂત પ્રભાવ દર્શાવ્યો હતો, જેમાં ભાજપના 365 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે કોંગ્રેસના 12 અને 3 અપક્ષ ઉમેદવારો પણ બિનહરીફ વિજયી બન્યા હતા.