હોળીના તહેવારને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે બજારમાં જાતજાતની પિચકારીઓ અને રંગો જોવા મળી રહ્યા છે. આજકાલ બજારમાં મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત કલર જોવા મળી રહ્યા છે, જેને કારણે ત્વચા અને વાળને હાનિ પહોંચે છે. જો તમે પણ આ વખતે કેમિકલમુક્ત કલરથી હોળી રમવા માંગતા હોવ તો આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે ઘરે જ સુંદર કલર્સ બનાવી શકો છો. ચાલો જોઈએ કઈ રીતે-
હોળીના થોડાક દિવસો પહેલાં જ બજારમાં મળી રહેલાં કેમિકલવાળા કલર ત્વચા, આંખો અને વાળને નુકસાન પહોંચાડી શકે છે. આ સમસ્યાથી બચવા માટે સૌથી શ્રેષ્ઠ રસ્તો છે ઓર્ગેનિક ગુલાલ. ઘરે કુદરતી સામગ્રીથી બનાવેલા રંગો માત્ર સુરક્ષિત જ નથી, પણ બનાવવામાં પણ અત્યંત સરળ છે.

પીળો કલરઃ
પીળો રંગ બનાવવા માટે રસોડામાં રહેલી હળદર શ્રેષ્ઠ છે. આ કલર બનાવવા માટે તમારે બે ચમચી હળદર પાવડરને ચાર ચમચી ચણાના લોટ અથવા મકાઈના લોટ (Corn Flour) સાથે મિક્સ કરવો પડશે. જો તમારે ભીનો રંગ જોઈતો હોય, તો ગલગોટાના ફૂલોને પાણીમાં ઉકાળીને પણ યેલો કલરનું પાણી તૈયાર કરી શકો છો.
લાલ કલરઃ
લાલ રંગ હોળીનો સૌથી મનપસંદ રંગ છે અને તે ખૂબ જ બ્રાઈટ પણ લાગે છે. લાલ રંગ ઘરે જ તૈયાર કરવા માટે તમે ચંદનનો પાવડર અથવા સૂકા લાલ જાસવંતની ફૂલોને પીસીને લોટ સાથે મિક્સ કરવાથી સુંદર લાલ ગુલાલ તૈયાર થાય છે. ડાર્ક રેડ કલર માટે બીટને છીણીને પાણીમાં પલાળી રાખવાથી કુદરતી લાલ પાણી તૈયાર થશે.
ગ્રીન કલરઃ
ગ્રીન કલર પણ હોળીમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો રંગ છે. તમે ઘરે જ ગ્રીન કલર બનાવવા માંગતા હોવ તો આ માટે મહેંદી પાવડર અથવા પાલકની ભાજીનો ઉપયોગ કરી શકાય છે. પાલકને પીસીને તેને લોટ સાથે મિક્સ કરીને સૂકવી લો, જેથી લીલો ગુલાલ તૈયાર થઈ જશે. ધ્યાન રાખવું કે મહેંદી પાવડર ચહેરા પર લાંબો સમય ન રહે, નહીંતર તે રંગ છોડી શકે છે.

પિંક કલરઃ
પિંક કલર બનાવવા માટે તમે બીટની મદદ લઈ શકો છો. આ માટે બીટના નાના ટુકડા કરી તેને પાણીમાં ઉકાળો અથવા આખી રાત પલાળી રાખો. આ પાણીને લોટમાં મિક્સ કરીને સૂકવી લેવાથી કુદરતી ગુલાબી ગુલાલ બની જશે. આ ઉપરાંત ગુલાબની પાંદડીઓનો પણ ઉપયોગ કરી શકાય છે.
વાત કરીએ નેચરલ કલરથી હોળી રમવાના ફાયદા વિશે તો આ કલરમાં કેમિકલ ના હોવાથી કોઈ પણ પ્રકારની એલર્જી નથી થતી અને અને ખંજવાળ પણ નથી થતી. આ સિવાય આ કલર પાણી અને જમીનને પ્રદૂષિત કરતા નથી. મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી આ નેચરલ કલર નાના બાળકો માટે પણ સૌથી સુરક્ષિત છે. ચાલો આ વખતે હોળી પર તમે પણ આ નુસખાઓ અપનાવીને 'ઈકો-ફ્રેન્ડલી' અને સુરક્ષિત રંગોત્સવની ઉજવણી કરી શકો છો.