Tue Apr 21 2026

Logo

વધતા સોનાના ભાવ વચ્ચે કઈ રીતે ચેક કરશો તમે ખરીદેલું સોનું અસલી છે કે નકલી?

2026-03-23 17:35:57
Author: Darshna Visaria
Article Image

સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને એ જોતાં સોનુ તો સામાન્ય માણસની પહોંચની બહાર જતું રહ્યું છે. આવી સ્થિતિમાં સસ્તુ સોનાની લાલચે છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે આવા સંજોગોમાં આપણે ખરીદેલું સોનું અસલી છે કે ભેળસેળવાળું એ ઓળખવું ખરેખર એક ટાસ્ક છે. ત્યારે ચાલો જાણીએ કે તમે ઘરે બેઠાં કઈ રીતે ખરીદેલું સોનું અસલી છે કે નહીં એની પરખ કરી શકાય... 

માર્કેટમાં સોનાના વધતા ભાવ અને ભેળસેળની શક્યતાઓને જોતા, સામાન્ય ગ્રાહક માટે સોનું અસલી છે કે નકલી તે ઓળખવું ખૂબ જ જરૂરી બની ગયું છે અને હવે એ જાણવા માટે તમારે કશેય બહાર જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. આ માટે ભારત સરકારની બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ખાસ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપનું નામ છે બીઆઈએસ કેસ એપ (BIS Care App). 

બીઆઈએસ કેર એપ પર આ રીતે ચેક કરો આપઃ

1.    દરેક સોનાના દાગીના પર એક વિશિષ્ટ હોલમાર્ક આઈડેન્ટિફિકેશન (HUID) નંબર હોય છે.
2.    સૌ પ્રથમ તમારા મોબાઈલમાં 'BIS Care App' ડાઉનલોડ કરો.
3.    એપમાં 'Verify HUID'  ઓપ્શન પર જાઓ.
4.    દાગીના પર લખેલો 6 ડિજિટનો આલ્ફા-ન્યુમેરિક કોડ દાખલ કરો.
5.    જો સોનું અસલી હશે, તો જ્વેલરનું નામ, હોલમાર્કિંગ સેન્ટર, સોનાની શુદ્ધતા (દા.ત. 22K કે 18K) અને રજીસ્ટ્રેશનની તારીખ જેવી તમામ વિગતો સ્ક્રીન પર દેખાશે.

જ્વેલર્સની લાયસન્સ ડિટેઈલ્સ ચેક કરો

બીઆઈએસ કેર એપ દ્વારા સોનાની શુદ્ધતાની સાથે સાથે તમે આ એપ પર જ્વેલરનું લાયસન્સ અસલી છે કે નહીં તેની પણ તપાસ કરી શકો છો. જો વિગતો મેચ ન થાય, તો સમજી લેવું કે સોનું નકલી હોઈ શકે છે.

આ રીતે પણ ઓળખી શકાશે સોનાની શુદ્ધતા

મેગ્નેટ ટેસ્ટ: અસલી સોનું મેગ્નેટ તરફ અટ્રેક્ટ નથી થતું. જો તમારી જ્વેલરી મેગ્નેટ સાથે ચોંટી જાય, તો તેમાં લોખંડ કે અન્ય ધાતુની ભેળસેળ હોઈ શકે છે.
વોટર ટેસ્ટ: એક ઊંડા વાસણમાં પાણી ભરો અને સોનાની વસ્તુ તેમાં નાખો. અસલી સોનું વજનમાં ભારે હોવાથી તળિયે બેસી જશે, જ્યારે નકલી સોનું તરતું રહેશે અથવા પૂરેપૂરું નીચે નહીં જાય.
સિરામિક ટેસ્ટ: સોનાની વસ્તુને સફેદ સિરામિક પ્લેટ પર ઘસો. જો કાળો ડાઘ પડે તો તે નકલી છે અને જો સોનેરી લીટી દેખાય તો તે અસલી સોનું હોવાની શક્યતા વધુ છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો, જેથી તેઓ છેતરાય નહીં. આવી જ બીજી કામની અને મહત્વના માહિતી જાણવા માટે અમારી સાતે જોડાયેલા રહો.