Wed Sep 02 2026

Logo

Toll Tax: હવે ઓછો કપાશે ટોલ, NHAIએ કરી નવી ફોર્મૂલાની જાહેરાત, જાણો કેવી રીતે સફર થશે સસ્તી

2026-07-25 12:22:00
Author: Mumbai Samachar Team
Toll Tax: હવે ઓછો કપાશે ટોલ, NHAIએ કરી નવી ફોર્મૂલાની જાહેરાત, જાણો કેવી રીતે સફર થશે સસ્તી

નવી દિલ્હી: દેશભરમાં હાઇવે પર મુસાફરી કરતા કરોડો વાહનચાલકો માટે મોટા રાહતના સમાચાર છે. NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એ ટોલ ફી નક્કી કરવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા સૂત્ર (ફોર્મ્યુલા) મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગો, જેમાં બ્રિજ, ટનલ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ સેક્શન સામેલ છે, ત્યાં ઘણા કિસ્સાઓમાં અગાઉ કરતા ઓછો ટોલ ચૂકવવો પડી શકે છે. સરકારનું કહેવું છે કે નવા નિયમનો ઉદ્દેશ્ય મુસાફરો માટે ટોલ ચાર્જને વધુ કિફાયતી બનાવવાનો છે.

NHAIની  ટોલ ફોર્મ્યુલા શું છે?

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રાષ્ટ્રીય રાજમાર્ગ શુલ્ક નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ અનુસાર, જે હાઇવે પર સ્વતંત્ર બ્રિજ, ટનલ, ફ્લાયઓવર કે એલિવેટેડ હાઇવે બનેલા છે, ત્યાં ટોલ માટે અંતરની ગણતરી બે પદ્ધતિઓથી કરવામાં આવશે. તેમાંથી જે અંતર ઓછું હશે, તેના જ આધારે ટોલ વસૂલવામાં આવશે.

કેવી રીતે નક્કી થતો હતો ટોલ?

અગાઉ આવા બ્રિજ અથવા એલિવેટેડ રોડ પર ટોલની ગણતરી સામાન્ય રસ્તાની સરખામણીમાં વધુ અંતર માનીને કરવામાં આવતી હતી. હાઇવે કે એક્સપ્રેસ વે બનાવવામાં કુલ કેટલો ખર્ચ થયો છે અને તેનું અંતર કેટલું છે, તેના આધારે પ્રતિ કિલોમીટરનો દર નક્કી થાય છે. કાર, જીપ જેવા હલકા વાહનોની સરખામણીમાં બસ, ટ્રક અને ભારે માલવાહક વાહનો પાસેથી વધુ ટોલ વસૂલવામાં આવે છે કારણ કે તેઓ રસ્તાને વધુ નુકસાન પહોંચાડે છે.

કેવી રીતે મળશે ફાયદો?

નવા નિયમનો સૌથી મોટો ફાયદો એવા લોકોને મળશે જે રોજ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરે છે. ખાસ કરીને એવા રૂટ જ્યાં લાંબા ફ્લાયઓવર, ટનલ અથવા એલિવેટેડ કોરિડોર છે, ત્યાં ટોલ ફી અગાઉ કરતાં ઓછી થઈ શકે છે. આનાથી પ્રાઇવેટ વાહનચાલકોની સાથે-સાથે ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને લોજિસ્ટિક્સ સેક્ટરનો ખર્ચ ઘટવાની પણ સંભાવના છે.

કયાં લાગુ થશે નવો નિયમ?

આ નવો ફોર્મ્યુલા એવા રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સ પર લાગુ થશે જેમાં એક કે તેથી વધુ બ્રિજ, ટનલ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ હાઇવે છે.

શું બધા હાઇવે પર ટોલ ઓછો થશે?

ના, નવો નિયમ બધા રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ ઓછો નહીં કરે. આ માત્ર એવા હાઇવે પર જ મળશે જ્યાં બ્રિજ, ટનલ, ફ્લાયઓવર કે એલિવેટેડ સેક્શનને કારણે ટોલની ગણતરી નવા ફોર્મ્યુલાના વ્યાપમાં આવે છે.