Fri Sep 04 2026

Logo

હૉસ્પિટલમાં મહિલા દરદીનો વિનયભંગ: નર્સિંગ આસિસ્ટન્ટને બે વર્ષની જેલ

2026-04-17 18:55:00
Author: Yogesh C. Patel
હૉસ્પિટલમાં મહિલા દરદીનો વિનયભંગ: નર્સિંગ આસિસ્ટન્ટને બે વર્ષની જેલ

થાણે: પાંચ વર્ષ અગાઉ મહિલા દરદીનો વિનયભંગ કરવાના કેસમાં કસૂરવાર પુરુષ નર્સિંગ આસિસ્ટન્ટને થાણેની વિશેષ અદાલતે બે વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. જોકે સ્પેશિયલ જજ રુબી યુ માલવણકરે આરોપી ઈમરાન સમીઉલ્લાહ અહમદ સામેના પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળના આરોપ પડતા મૂકીને નોંધ કરી હતી કે ઘટના સમયે ફરિયાદી સગીર હતી તે ફરિયાદ પક્ષ સિદ્ધ કરી શક્યો નથી.

કોર્ટના દસ્તાવેજો અનુસાર ઘટના 12 સપ્ટેમ્બર, 2020ના રોજ બની હતી. વીજળીનો આંચકો લાગવાને કારણે નાના ભાઈનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને કારણે માનસિક આઘાત લાગતાં ફરિયાદીને સારવાર માટે ખાનગી હૉસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી.

આઈસીયુમાં બ્લડ પ્રેશર તપાસવાને બહાને આરોપીએ વિનયભંગ કર્યો હતો, જેને પગલે ફરિયાદીએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. વિશેષ સરકારી વકીલ વાય. એમ. પાટીલે જણાવ્યું હતું કે ફરિયાદી અને તેની માતા સહિત સાત સાક્ષીદારોએ કોર્ટમાં સાક્ષી આપી હતી.

હૉસ્પિટલમાં આરોપી પુરુષ નર્સ તરીકે કામ કરતો હતો. તેનું કામ દરદીની સંભાળ રાખવાનું હતું, પરંતુ દરદીની માનસિક સ્થિતિનો લાભ ઉઠાવી તેણે જાતીય શોષણ કર્યું હતું, એવી નોંધ કરીને કોર્ટે આરોપીને બે વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. કોર્ટે તેને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. (પીટીઆઈ)