જો તમને કોઈ કહે કે આજે આપણી થાળીમાં મહત્ત્વનો હિસ્સો બની ગયેલી રોટલીએ આ ભારતની નથી તો માનવામાં આવે ખરું? કદાચ એક સેકન્ડ માટે એવો પણ વિચાર આવે કે ભાઈ એવું તે કઈ રીતે પોસિબલ છે? ચાલો આજે તમારા આ તમામ સવાલોના જવાબ આપણે આ સ્ટોરીના માધ્યમથી મેળવીશું અને એ પણ જાણીશું કે ભારતમાં કઈ રીતે આ રોટલીની એન્ટ્રી થઈ...
પુરાતત્વશાસ્ત્રીઓના મતે રોટલી માનવીય સંસ્કૃતિના સૌથી પ્રાચીન ખોરાકમાંથી એક છે. આજે ભલે રોટલી આપણી થાળીનો મહત્ત્વનો હિસ્સો બની ચૂક્યો છે, પરંતુ ફ્લેટબ્રેડની વાર્તા ભારતના રેકોર્ડ કરેલા ઈતિહાસ કરતા પણ ઘણી જૂની છે. પુરાતત્વીય પુરાવાઓ એ તરફ ઈશારો કરે છે કે વિશ્વની સૌથી પહેલી રોટલી ખેતીની શરૂઆત થઈ તેના હજારો વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી.
પુરાતત્વશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર દુનિયાની સૌથી જૂની રોટલીના અવશેષો જૉર્ડનના ઉત્તર-પૂર્વીય રણમાંથી મળી આવ્યા હતા અને આ અવશેષો આશરે 14,400 વર્ષ જૂના છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ રોટલી વ્યવસ્થિત ખેતીની શરૂઆત થઈ તેના પણ 4,000 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી, જે જંગલી અનાજ જેમ કે જવ, ઓટ્સ અને કંદને પીસીને બનાવવામાં આવી હતી, જેને કદાચ ગરમ પથ્થરો પર પકવવામાં આવતી હતી.
વાત કરીએ ભારતમાં રોટલીના આગમનની તો ભારતીય ઉપખંડમાં રોટલીનો ઈતિહાસ હજારો વર્ષ જૂની સિંધુ ખીણની સભ્યતા આશરે 300 બીસીઈ સાથે જોડાયેલી છે. હડપ્પા અને મોહેં-જો-દડો ના ઉત્ખનન દરમિયાન ઘઉં અને જવના એવા દાણા મળી આવ્યા છે જે આજે પણ ભારતમાં ઉગાડવામાં આવે છે. આ તમામ પુરાવાઓ સાબિત કરે છે કે એ સમયના લોકો અનાજ પકવતા અને કોઈક પ્રકારની ચપટી રોટલી કે પછી ચપાતી બનાવતા હતા.
રોટલી અને ચપાતીનો ઉલ્લેખ પ્રાચીન ભારતીય સાહિત્યમાં પણ જોવા મળે છે. વાત કરીએ ચપાતી શબ્દ ક્યાંથી આવ્યો એની તો ચપાતી શબ્દ સંસ્કૃત શબ્દ કાર્પાતી પરથી આવ્યો હોવાનું મનાય છે, જેનો અર્થ થાય છે પાતળો કેક. રોટલી શબ્દ પોતે સંસ્કૃતના 'રોટિકા' શબ્દ પરથી ઉતરી આવ્યો છે. તેનો ઉલ્લેખ મહાભારત જેવા મહાકાવ્યોમાં પણ જોવા મળે છે.
મોગલોના સમયમાં રોટલીને એક નવી ઓળખ મળી. 16મી સદીના ઐતિહાસિક દસ્તાવેજ 'આઈન-એ-અકબરી' માં દરબારી રીત-રિવાજો અને ભોજન વિશે વિગતવાર વર્ણન છે. મુઘલ બાદશાહ અકબરને અલગ-અલગ પ્રકારની રોટલીઓ ખૂબ પસંદ હતી, જેના કારણે તે સમયે રોટલી બનાવવાની પદ્ધતિઓમાં ઘણો વિકાસ થયો હતો.
આમ, રોટલી એ માત્ર પેટ ભરવાનું સાધન નથી, પણ હજારો વર્ષોની માનવ ઉત્ક્રાંતિનો એક જીવંત પુરાવો છે. છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની અને એનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...