નાગપુર: આરએસએસ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે અમેરિકાના ન્યૂયોર્કમાં યોજાયેલી 'વન વર્લ્ડ: વન હ્યુમેનિટી' સમિટમાં હિન્દુ ધર્મની સર્વસમાવેશકતા પર ભાર મૂકતા કહ્યું હતું કે ભારતમાંથી મુસ્લિમોને નકારનાર વ્યક્તિ હિન્દુ હોઈ શકે નહીં. આ નિવેદનને સમર્થન આપતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં સ્પષ્ટ કર્યું હતું કે સહિષ્ણુતા હિન્દુત્વનો મૂળ આત્મા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે અમેરિકામાં હિન્દુ ધર્મની સર્વસમાવેશકતા પર ભાર મૂક્યાના એક દિવસ બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જણાવ્યું હતું કે સહિષ્ણુતા હિન્દુત્વનો “આત્મા” છે. જોકે, તેમણે તેની સાથે જ આત્મરક્ષાના અધિકાર પર પણ ભાર આપતા સ્પષ્ટ કર્યું કે સહિષ્ણુતાનો અર્થ હુમલાનો જવાબ ન આપવો એવો નથી.
નાગપુરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન મોહન ભાગવતના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં ફડણવીસે કહ્યું કે તેઓ સામાન્ય રીતે RSSના સરસંઘચાલક શું કહે છે તેના પર ટિપ્પણી કરતા નથી.
જોકે, ભાગવતે વ્યક્ત કરેલો સિદ્ધાંત સંપૂર્ણપણે યોગ્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. ન્યૂયોર્કમાં આયોજિત “વન વર્લ્ડ: વન હ્યુમેનિટી ફેઈથ લીડર્સ સમિટ”ને સંબોધતા મોહન ભાગવતે કહ્યું હતું કે હિન્દુ ધર્મની પ્રકૃતિ સર્વસમાવેશક છે. તેમણે કહ્યું હતું કે, “જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમો ન હોવા જોઈએ, તો તે હિન્દુ નહીં રહે.”
આ નિવેદનના સંદર્ભમાં ફડણવીસે કહ્યું કે હિન્દુત્વનો મૂળ આત્મા સહિષ્ણુતા છે. તેમણે ભારતને વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક ગણાવતા કહ્યું કે ભારતે પોતાની મૂલ્યો અને પરંપરાઓને મજબૂત રાખી હોવાથી વિશ્વના વિવિધ ભાગોમાંથી થયેલા આક્રમણો છતાં પોતાની સંસ્કૃતિને જાળવી રાખી છે.
ફડણવીસે કહ્યું હતું કે હિન્દુ પરંપરાએ વિવિધ સમુદાયોને પોતાની સાથે જોડ્યા છે. તેમણે યહૂદીઓ તેમજ ઈરાનમાંથી ભારત આવેલા પારસી સમુદાયનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જે લોકોને બીજા કોઈએ સ્વીકાર્યા નહોતા, તેમને પણ ભારતની સંસ્કૃતિએ સ્થાન આપ્યું.
જોકે સહિષ્ણુતાની સાથે ફડણવીસે આત્મરક્ષાના અધિકાર પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે," હું હંમેશાં કહું છું કે હિન્દુઓને ધાર્મિક સહિષ્ણુતા શીખવવાની જરૂર નથી. સહિષ્ણુતા હિન્દુઓના લોહીમાં છે. હિન્દુત્વનો એક મહત્વપૂર્ણ અર્થ સહિષ્ણુતા છે. સહિષ્ણુતાનો અર્થ માર સહન કરતા રહેવું એવો નથી. દરેક વ્યક્તિ અને દરેક ધર્મ સાથે સમાન વ્યવહાર કરવો તથા તમામ ધર્મોનું સન્માન કરવું એ સહિષ્ણુતાનો સાચો અર્થ છે.
ફડણવીસે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે જો કોઈ હુમલો કરે તો તેનો પ્રતિકાર કરવો જોઈએ. જોકે, તેમના મતે હિન્દુ ક્યારેય પ્રથમ હુમલો કરતો નથી અને સૌને સાથે લઈને આગળ વધવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું હતું કે હિન્દુત્વએ દરેક ધર્મનું સન્માન કરવાનું અને સૌને સાથે લઈને ચાલવાનું શીખવ્યું છે. આ જ ભારતની પ્રાચીન સાંસ્કૃતિક પરંપરા અને તેની સહિષ્ણુતાની વિશેષતા છે.
(પીટીઆઈ)