પ્રાસંગિક - રામેશ્વર નાઈક
ધર્મ, શ્રદ્ધા અને સત્ય માટે પોતાનું બલિદાન આપનારાઓનું સ્થાન ઇતિહાસમાં હંમેશાડ્ઢ અમર રહે છે. આવી તેજસ્વી વ્યક્તિઓના જીવનમાંથી માનવતાનો પ્રકાશ ઝળકે છે. તે અમર ગાથાઓમાંની જ એક પ્રેરણાદાયી વાત શ્રી ગુરુ તેગ બહાદુરજીની છે, જેમને સમગ્ર વિશ્વ `હિંદ દી ચાદર' એટલે કે ભારતભૂમિના રક્ષક તરીકે ઓળખે છે. તેમણે ધર્મની સ્વતંત્રતા, ન્યાય અને સહિષ્ણુતાના રક્ષણ માટે આપેલું બલિદાન ભારતીય સંસ્કૃતિનો એક અતુલનીય અધ્યાય છે. શ્રી ગુરુ તેગ બહાદુરજીનો જન્મ 1 એપ્રિલ 1621ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના પિતા ગુરુ હરગોવિંદ સાહિબ શીખ ધર્મના છઠ્ઠા ગુરુ હતા. શ્રી ગુરુ તેગ બહાદુરજીનું બાળપણનું નામ ત્યાગમલ હતું; પરંતુ યુદ્ધભૂમિ પરના તેમના પરાક્રમને જોઈને પિતાએ તેમને તેગ બહાદુર એટલે કે `તલવાર જેવી હિંમત ધરાવનાર' એવું નામ આપ્યું. બાળપણથી જ તેમનામાં શૌર્ય, નમ્રતા અને આધ્યાત્મિક ચિંતનનો સુંદર સંગમ હતો. તેમણે સાંસારિક કીર્તિ કરતા આત્મજ્ઞાન અને માનવસેવાને જ જીવનનું સાચું લક્ષ્ય માન્યું હતું.
ગુરુ તેગ બહાદુરજી 1664માં શીખ ધર્મના નવમા ગુરુ બન્યા. તેમના વ્યક્તિત્વમાં અદ્ભુત શાંતિ, કરુણા અને આત્મનિષ્ઠા હતી. તેમણે ધર્મનો અર્થ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, ધર્મ એટલે આગ્રહ નહીં, પરંતુ બીજાની શ્રદ્ધાનું સન્માન કરવું. તેમણે સમગ્ર ભારતનો પ્રવાસ કરીને સમાજમાં માનવતા, સમાનતા અને સહિષ્ણુતાના બીજ રોપ્યા. આનંદપુર સાહિબ તેમણે સ્થાપેલું પવિત્ર સ્થળ છે, જે આજે પણ શીખ ધર્મનું મુખ્ય કેન્દ્ર છે. તે સમયે જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. આ સંકટના સમયે શ્રી ગુરુ તેગ બહાદુરજીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું હતું કે, `જો મારા બલિદાનથી આ નિર્દોષોની શ્રદ્ધાનું રક્ષણ થતું હોય, તો તે જ મારું સર્વોચ્ચ ધાર્મિક કાર્ય ગણાશે.' આ શબ્દો માત્ર બલિદાનના નહોતા, પરંતુ સમગ્ર માનવતાના રક્ષણની ઘોષણા કરનારા હતા.
શ્રી ગુરુ તેગ બહાદુરજીને દિલ્હીમાં ચાંદની ચોક પાસે કેદ કરવામાં આવ્યા હતા. તેમના પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું, પરંતુ તેમણે પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવાનો ઇનકાર કર્યો. અંતે 1675માં તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો. (ઇતિહાસના સંદર્ભ મુજબ 11 અથવા 24 નવેમ્બર 1675 એમ બે અલગ-અલગ તારીખો નોંધાયેલી છે.) તેમના અનુયાયીઓએ તેમના દેહ અને મસ્તકના ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કર્યા હતા.
શ્રી ગુરુ તેગ બહાદુરજીના બલિદાન પાછળ માત્ર શીખ અનુયાયીઓ જ નહોતા; તેમની સાથે અનેક સમાજો ઊભા હતા. ખાસ કરીને લબાના અને ગોર બંજારા સમાજોએ આ સંઘર્ષમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ સમાજ સેવાભાવ, સાહસ અને શ્રદ્ધા માટે ઓળખાય છે. ઇતિહાસ સાક્ષી છે કે, વેપારી બાબા માખણશાહ લબાનાએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને ઓળખીને `ગુ લાધો રે!' (ગુરુ મળી ગયા સાચા!) એવી ઘોષણા કરી હતી, અને તે ક્ષણથી લબાના સમાજનું નામ શીખ ઇતિહાસમાં અમર થઈ ગયું.
લબાના અને ગોર બંજારા સમાજોએ શ્રી ગુરુ તેગ બહાદુર સાહિબજીના બોધનો- સંદેશને દૂર-દૂર સુધી પહોંચાડ્યો. ધર્મનું રક્ષણ એટલે માનવતાનું રક્ષણ. તેમની વ્યાપારી અને ભ્રમણશીલ જીવનશૈલીને કારણે ભારતના સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં તેમણે અમૂલ્ય ફાળો આપ્યો છે. આજે પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક અને તેલંગાણા જેવા પ્રદેશોમાં આ સમાજના લોકો ભક્તિ, સેવા અને સાહસની પરંપરા જીવંત રાખી રહ્યા છે. ગુરુ તેગ બહાદુરજીએ શીખવ્યું કે ધર્મ એટલે પ્રેમ, સમાનતા અને સેવા. તેઓ કહેતા કે, ધૈર્ય તલવારમાં નથી હોતું, પણ સત્યમાં હોય છે. તેમણે `ન કો બૈરી, ન હી બેગાના, સગલ સંગ હમ કો બન આઈ' આ વાણી દ્વારા સર્વધર્મ સમભાવ અને એકતાનો સંદેશ આપ્યો છે. જેનો અર્થ છે: `મારા માટે કોઈ શત્રુ નથી, કોઈ પારકું નથી, કારણ કે સૌમાં એક જ ઈશ્વર બિરાજમાન છે.'
તેમના લખાણોમાંના 57 શબ્દ (ભક્તિગીતો) અને 57 શ્લોક (ઉપદેશાત્મક પદો) ગુરુ ગ્રંથ સાહિબમાં સમાવિષ્ટ છે. તેની પ્રત્યેક પંક્તિ સત્ય, સંયમ અને માનવતાનો સંદેશ આપે છે. તેમના વિચારો સમાજને નવજીવન આપે છે.
તેઓ જણાવે છે કે, ધર્મ એ માનવતા વચ્ચેની દીવાલ નથી પણ એક સેતુ છે; શ્રદ્ધા એ સંઘર્ષ નથી પણ સહજીવનનો પ્રવાહ છે. તેમણે પોતાના બલિદાન દ્વારા એ સંદેશ આપ્યો કે ધર્મનું રક્ષણ એટલે બીજાની શ્રદ્ધાનો આદર કરવો. તેમના બલિદાનથી માનવાધિકારોના મૂળભૂત તત્ત્વો રેખાંકિત થયા છે.
આજે તેમની શહીદીને 350 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે મહારાષ્ટ્ર સરકાર અને `શ્રી ગુરુ તેગ બહાદુર સાહિબજી 350મી શહીદી સમાગમ રાજ્યસ્તરીય સમિતિ' દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રબોધનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે આ કાર્યક્રમની વેબસાઇટ અને ગુરુ તેગ બહાદુરજીના બલિદાન પર આધારિત ગીતનું લોકાર્પણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. શીખ, લબાના, બંજારા, સિખલીકર, મોહિયાલ, વાલ્મીકિ, સિંધી, ઉદાસીન અને ભગત નામદેવ સંપ્રદાય જેવા વિવિધ સમુદાયો આ પ્રસંગે એકઠા થઈને ગુરુ તેગ બહાદુરજીનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે
આજે પણ તેમના બલિદાનનો પ્રકાશ પ્રત્યેકના અંત:કરણમાં પ્રજ્વલિત છે. અને જ્યાં સુધી આ ધરતી પર માનવતાને પ્રેમ કરનારો એક પણ મનુષ્ય જીવિત છે, ત્યાં સુધી `હિંદ દી ચાદર' અમર રહેશે.
સંયોજક: હિંદ-દી-ચાદર શ્રી ગુરુ તેગ બહાદુર સાહિબજી 350મી શહીદ સ્મારક સમિતિ