Sun Jul 26 2026

Logo

ગરીબીને આપી માત: ૬૦૦૦ કમાતી વિધવા માતાની દીકરી બનશે ગામની પહેલી ડૉક્ટર!

2026-07-20 15:12:00
Author: Vimal Prajapati
Article Image

Image Credit : Physics Wala


શિમલા: કહેવાય છે ને કે જો મનમાં અડગ શ્રદ્ધા અને કશુંક કરી છૂટવાની તમન્ના હોય, કોઈ પણ પરિસ્થિતિ તમને સફળ થતા રોકી શકે નહીં! આવી જ એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક કહાની હિમાચલ પ્રદેશના ઠિયોગથી માત્ર 8 કિલોમીટર દૂર આવેલા નાનકડા કીહરી ગામમાંથી જાણવા મળી છે. અહીં રહેતી પ્રિયંકા નામની દીકરીએ તમામ આર્થિક મુશ્કેલીઓને પાર કરીને NEET (નીટ)ની પરીક્ષા પાસ કરી લીધી છે અને તે પોતાના આખા ગામની સર્વપ્રથમ ડૉક્ટર બનવા જઈ રહી છે.

પાંચ વર્ષ પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી
પ્રિયંકાની આ સફર બિલકુલ સરળ નહોતી. આજથી પાંચ વર્ષ પહેલાં જ તેના પિતા સંજીવનું અવસાન થયું હતું. પરિવારની આર્થિક જવાબદારી તેની માતા પર આવી ગઈ, જેઓ કીહરી ગામની જ સરકારી સ્કૂલમાં મલ્ટિ ટાસ્ક વર્કર તરીકે માંડ 6000 રૂપિયાના માસિક પગાર પર નોકરી કરે છે. આટલી નાની રકમમાં ત્રણ બાળકોનું લાલન-પાલન કરવું લોઢાના ચણા ચાવવા જેવું હતું. પરંતુ પ્રિયંકા ભણવામાં ખૂબ જ તેજસ્વી હતી. તેણે ધોરણ 12 બાયોલોજીમાં 100માંથી 100 ગુણ મેળવીને સ્કૂલમાં ટોપ કર્યું હતું.

SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા 1608મો રેન્ક મેળ્યો
રસપ્રદ વાત એ છે કે, આ પહેલાં જે પરીક્ષાનું પેપર લીક થયું હતું, તેમાં પણ પ્રિયંકાએ 612 જેટલા શાનદાર માર્ક્સ મેળવ્યા હતા. ત્યાર બાદ ફરી લેવાયેલી પરીક્ષામાં પણ તેણે 533 માર્ક્સ સાથે SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા 1608મો રેન્ક મેળવી પોતાની કાબિલિયત સાબિત કરી બતાવી છે.

પ્રિયંકાના પરિવાર પાસે એટલી સુવિધા કે માહિતી નહોતી કે તેઓ દીકરીને ડૉક્ટર બનાવવાનું વિચારી પણ શકે. તેઓ પ્રિયંકાને B.Sc કરાવવા માંગતા હતા, પરંતુ પ્રિયંકાના સ્કૂલના હેડમાસ્ટર રમેશ નેગી અને બાયોલોજીના લેક્ચરર પ્રકાશ શર્માએ ભણાવવા માટે પરિવારનો સમજાવ્યો હતો. જ્યારે આ શિક્ષકોને ખબર પડી કે આર્થિક તંગીના કારણે પ્રિયંકા આગળ વધી શકતી નથી, ત્યારે તેમણે શિમલાની ખાનગી કોચિંગ ઇન્સ્ટિ્ટ્યૂટ સાથે વાત કરી અને દીકરીને મફતમાં કોચિંગ અપાવ્યું. એટલું જ નહીં, બંને શિક્ષકોએ પોતાની ખિસ્સામાંથી પ્રિયંકાના હોસ્ટેલનો આશરે 9 હજાર રૂપિયાનો ખર્ચ પણ ઉપાડ્યો હતો.

બે ગુરુઓ પ્રિયંકા માટે બન્યા ભગવાન
મીડિયા સાથે વાતચીતમાં પ્રિયંકાએ ભાવુક થઈને જણાવ્યું કે, જો મારા આ બંને ગુરુઓ મારી જિંદગીમાં ન આવ્યા હોત, તો આજે હું આ મુકામ પર ક્યારેય ન પહોંચી શકી હોત. એક ગુરૂ જો તમારી પ્રતિભાને જાણી જાય તો તમને સફળતાના રસ્તે ચાલતા કરી શકે છે. આ બંને શિક્ષકોએ પણ પ્રિયંકાના જીવનમાં આવું જ કામ કર્યું છે. પ્રિયંકાએ પરીક્ષા તો પાસ થઈ કરી લીધી, પરંતુ હવે મોટો સવાલ એ હતો કે MBBSની મોંઘી ફી ક્યાંથી આવશે?

ફી અને હોસ્ટેલના ખર્ચની સંપૂર્ણ વ્યવસ્થા થઈ ગઈ
શિક્ષક પ્રકાશ શર્માએ જણાવ્યું કે, તેઓ 'ઉડાન' નામનું એક સોશિયલ ગ્રૂપ ચલાવે છે, જેમાં ઘણા સેવાભાવી સભ્યો જોડાયેલા છે. આ ગ્રૂપ દ્વારા પ્રિયંકાની આગળની ફી અને હોસ્ટેલના ખર્ચની સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. પોતાની દીકરીની આ ઐતિહાસિક સફળતા જોઈને માતા રેખાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. માતાએ ગર્વ સાથે કહ્યું કે, તેમના ત્રણેય બાળક ખૂબ જ આજ્ઞાકારી અને ભણવામાં હોશિયાર છે. આજે પ્રિયંકાની આ સફળતા માત્ર હિમાચલ જ નહીં, પણ દેશના લાખો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ છે.