Fri May 01 2026

Logo

સાયબર ગુના માટે સુશિક્ષિત યુવાનોને વિદેશ મોકલનાર આરોપીના જામીન હાઇ કોર્ટે નકાર્યા

2026-03-13 16:59:11
Author: Yogesh D Patel
Article Image

મુંબઈ: સુશિક્ષિત યુવાનોને નોકરી અપાવવાને બહાને વિદેશ મોકલ્યા બાદ સાયબર ગુના આચરવા તેમના પર દબાણ કરવાના આરોપનો સામનો કરી રહેલા જેરી ફિલિપ્સ જેકબને હાઇ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. 

જસ્ટિસ એ.એસ. ગડકરી અને એસ.સી. ચાંદકની ખંડપીઠે નોંધ્યું હતું કે આરોપી જેરી જેકબ સામે પ્રથમદર્શી કેસ છે કે તેણે ભારતના સુશિક્ષિત પરંતુ બેરોજગાર યુવાનોને વિદેશી કંપનીમાં નોકરી અપાવવાને બહાને મોકલ્યા હતા. ત્યાર બાદ ગેરકાયદે લાભ માટે અન્ય દેશોના લોકોને છેતરવાના ગુના આચરવા માટે તેમના પર દબાણ કરવામાં આવતું હતું.

કોર્ટે જણાવ્યું હતું કે ગુનો ગંભીર પ્રકારનો છે. જો અરજદારનેે જામીન પર મુક્ત કરવામા આવે તો તે ફરાર થઇ શકે અને પુરાવા સાથે ચેડાં કરી શકે એવી શક્યતા છે. આથી અમે તેને જામીન આપવા તૈયાર નથી. 

માર્ચ, 2024માં ધરપકડ કરાયેલા જેકબે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે યુવાનોને નોકરીના પ્રકાર વિશે માહિતી આપવામાં આવી હતી અને ઔપચારિક રોજગાર કરાર પૂરા પડાયા હતા.

કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે જ્યારે પીડિતોએ પૂછપરછ કરી હતી કે તેમને કયા પ્રકારના કામ માટે વિદેશ મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ કાયદેસરના રોજગારમાં સામેલ થશે. 

પીડિતોના બોગસ સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને નકલી ઓળખપત્રો બનાવવા નિર્દેશ અપાયા હતા, જેથી તેઓ અન્ય દેશોના લોકો સાથે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ અંગે વાતચીત કરી શકે અને તેમને એ માટે રૂપિયા ડિપોઝિટ કરવા પ્રેરી શકે, એમ તેમાં જણાવાયું હતું. (પીટીઆઇ)