હેન્રી શાસ્ત્રી
ચાહ કરતાં વધુ તાકાત ચા પાસે છે
દાર્શનિક દૃષ્ટિએ અઢી અક્ષરના શબ્દો પ્રભુ અને પ્રેમનું મનુષ્ય જીવનમાં ગજબનાક પ્રભુત્વ છે. સૂતેલાને જગાડવાની, જાગી ગયેલાને બેસાડી દેવાની, બેઠેલાને ઊભા કરી દેવાની, ઊભા હોય એને ચાલતા કરી દેવાની અને ચાલતા હોય એને દોડતા કરી દેવાનું સામર્થ્ય અઢી અક્ષરમાં રહેલું છે. જોકે, ભારતીય પ્રજા અને ખાસ કરી ગુજરાતીઓને પૂછશો તો કહેશે કે પ્રભુ અને પ્રેમ પછી સૂતેલાને સીધો સડસડાટ દોડતો કરવાની તાકાત ચાહ કરતા એક અક્ષરી ‘ચા’માં વધારે છે.
આવતીકાલે 21 મે, આંતરરાષ્ટ્રીય ચા દિન. સવારે ચાની ચુસ્કી સાથે ‘મુંબઈ સમાચાર’ વાંચતા હશો ત્યારે યાદ રાખજો કે વિશ્વના સૌથી વધુ ચા ગટગટાવી જતા પહેલા પાંચ દેશમાં ભારતનું નામ નથી. ચોંકી ગયા ને.?! હેરત થાય એવી વાત એ છે કે વિશ્વના પ્રતિ વર્ષ મહત્તમ ચા ઉત્પાદક દેશોની યાદીમાં ચીન (24 લાખ ટન) પછી ભારત બીજા ક્રમે (નવ લાખ ટન) આવે છે, પણ વ્યક્તિદીઠ ચા ગટગટાવી જતા દેશોની યાદીમાં 3.16 કિલોગ્રામ સાથે ટર્કી પહેલા નંબરે છે જ્યારે આયર્લેન્ડ 2.19 કિલો સાથે બીજા નંબરે અને 2.10 કિલો સાથે અઝરબાઈજાન ત્રીજા ક્રમે છે.
જોકે, આંકડા ઘણી વાર ગેરમાર્ગે દોરનારા હોય છે. ચા ઉત્પાદનમાં વિશ્વના પ્રથમ બે દેશ હોવા છતાં પીવામાં ચીન 570 ગ્રામ સાથે બાવીસમા નંબરે અને 330 ગ્રામ સાથે ભારત ત્રીસમા નંબરે છે.
આ વિચિત્રતાનું કારણ છે ચીન અને ભારતની અધધ વસતિ. ટર્કીમાં દર વર્ષે બે લાખ 70 હજાર ટન ચા પીવાય છે, જ્યારે આપણે ત્યાં 60 લાખ ટન ચા પેટમાં પધરાવાય છે. ટૂંકમાં બાવીસ ટર્કી જેટલી ચા પીવે એટલી ચા એકલું ભારત ગટગટાવી જાય છે. આવતી કાલે સવારે એક હાથમાં ‘મુંબઈ સમાચાર’ અને એક હાથમાં ચાનો કપ રાખી હરખાઈને આ સિદ્ધિનું સ્મરણ કરી કિશોર કુમાર-લતા મંગેશ્કરનું યુગલ ગીત ‘શાયદ મેરી શાદી કા ખયાલ દિલ મેં આયા હૈ, ઈસીલીએ મમ્મીને મેરી તુમ્હે ચાય પે બુલાયા હૈ’ સાંભળજો, ટેસડો પડી જાશે.
એક અચ્છા મચ્છર જંગલ કો બચા લેતા હૈ
દરેક દેખાતા ચહેરાની પાછળ બીજો એક ચહેરો છુપાયેલો હોય છે એવું કહેવાય છે. મચ્છર છે તો નાનો અમથો જીવ પણ કેવો કાળો કેર વર્તાવવાની ક્ષમતા ધરાવે છે એ વાતથી આપણે બધા સુપેરે પરિચય છે. મચ્છરનો ઉલ્લેખ થાય અને નાના પાટેકરની ભુલાઈ ગયેલી ‘યશવંત’ ફિલ્મનો ક્યારેય ન ભુલાય એ ડાયલોગ ‘એક સાલા મચ્છર આદમી કો હીજડા બના દેતા હૈ’ યાદ આવી જાય.
મચ્છરોની દુનિયાની મજેદાર વાત એ છે કે લોહી પીવાનું કામ માત્ર માદા જ કરે છે, અહિંસામાં માનતો બિચારો નર તો ફૂલ અને છોડમાંથી રસપાન કરીને ગુજરાન ચલાવી લે છે. આ આખીય વાતને તમે જો મનુષ્ય જીવનની ફિલસૂફી સાથે જોડવાનો પ્રયત્ન કરતા હો તો તમે તમારું જાણો. એના જે પણ પરિણામ આવે એ ભોગવવા તૈયાર રહેવાનું, ફરિયાદ નહીં કરવાની...
વૈજ્ઞાનિક અભ્યાસ જણાવે છે કે માદાને બચ્ચાના વિકાસ માટે મનુષ્યના લોહીની જરૂર પડે છે. બીમારી ફેલાવતા મચ્છરને પૃથ્વી પરથી નામશેષ કરવા અબજો રૂપિયા ખર્ચાયા છે, આંશિક સફળતા મળી હશે, પણ સંપૂર્ણ સફળતા હાથ નથી લાગી. આપણે આજે વિલન તરીકે ઓળખ મેળવનાર મચ્છરના સારા કામની વાત કરવી છે.
વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર આ કાતિલ માદા મચ્છર દુનિયાભરમાં જોવા મળતા વર્ષાવનની (રેઇન ફોરેસ્ટની) રક્ષાની અને એની સારસંભાળની જવાબદારી પણ પાર પાડે છે. મતલબ કે પુણ્યનું કામ કરે છે. સંશોધન અનુસાર એમેઝોન અને દક્ષિણપૂર્વ એશિયાનાં જંગલો આ મચ્છરના ઉપદ્રવને કારણે જ ટકી રહ્યા છે. હવે હેરત પમાડનારી બીજી વાત પણ જાણો. મચ્છર બહુ બદનામ જંતુ કહેવાય છે, પણ હકીકત એ છે કે એની ત્રણેક હજાર જાતમાંથી ગણીને ત્રણ જાત જ રોગચાળો ફેલાવવા માટે કુખ્યાત છે.
હેં ?હોય નહીં....!
પિત્તળના ભાવમાં સોનું ને જર્મન સિલ્વરના દામમાં સિલ્વર
આપણે ગાયને માતા તરીકે પૂજીએ છીએ અને ગાયની જેમ વાગોળવામાં પણ આપણને આનંદ આવતો હોય છે. ‘હમારે ઝમાને મેં’ આજના યંગસ્ટર્સને અકળાવનારો વડીલોનો એવરગ્રીન ડાયલોગ છે. સોનાના ભાવ છાપરું ફાડવાની કોશિશ કરી રહ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવાની અપીલ દેશવાસીઓને કરી છે ત્યારે સોશ્યલ મીડિયા પર 56 વર્ષ જૂનું બિલ વાયરલ થયું છે જે જોઈને એ સમયે લીધેલું 10 ગ્રામ સોનું પણ સાચવી રાખ્યું હોત તો આજે કેટલા પૈસા મળ્યા હોત એવા ખયાલી પુલાવ અનેક ઘરમાં રંધાઈ ગયા હશે.
આજની તારીખમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દોઢ લાખ રૂપિયાની આસપાસ છે જ્યારે 1970ના બિલમાં 20 ગ્રામ સોનું 370 રૂપિયામાં- મતલબ 10 ગ્રામના 185 રૂપિયા- ખરીદ્યું હોવાનું દેખાય છે. મેકિંગ ચાર્જીસ પેટે માત્ર 15 રૂપિયા જ લેવામાં આવ્યા છે. 20 ગ્રામની સોનાની ચેન, 10 ગ્રામની વીંટીના મેકિંગ ચાર્જિસ સાથે કુલ 570 રૂપિયા ચુકવવામાં આવ્યા હતા.
જોકે એ સમયે 500 રૂપિયાના પગારમાં પાંચ વ્યક્તિના પરિવારના આખા મહિનાનો ખર્ચ નીકળી જતો એ ન ભૂલવું જોઈએ. 100 ગ્રામ ચાંદી માટે તો 60 રૂપિયા જ થયા છે. એટલે કે કિલો ચાંદીનો ભાવ થયો 600 રૂપિયા. આજે ભાવ છે પોણા ત્રણ લાખ રૂપિયા. અલબત્ત, કેટલાક લોકોએ દલીલ કરી છે કે આ બિલ ઓરિજિનલ નથી, એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. એ હોઈ શકે છે, પણ 1970ના ભાવ સાચા છે અને ‘ગાલિબ’ની સ્ટાઈલમાં કહેવું હોય તો કહી શકાય કે ‘દિલ કો બેહલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ.’
કાન ડરાવવાનું કામ પણ કરે, રશિયામાં
નાક ઘ્રાણેન્દ્રિય છે તો કાન શ્રવણેન્દ્રિય છે. કાનનું કામ સાંભળવાનું છે, પણ ઘણી વાર એ સાંભળવાની વાત પ્રત્યે આંખ આડા કાન કરે છે તો અનેક વાર નહીં સાંભળવાની વાત કાન સરવા કરી સાંભળે છે. કાન અંગે ઘણી કહેવતો - રૂઢિપ્રયોગો ભાષામાં છે. કાચા કાનનો એટલે ભોળવાઈ જાય એવો જ્યારે સૂપડા જેવા કાન એટલે વધુ પડતા મોટા કાન. ગણેશજીનું નામ પડે તો વંદન થાય અને સુપડકન્નો રાજાની વાર્તા યાદ આવે એટલે હસવું આવે. પણ તમે ફ્લાવર કે ફૂલગોબી-ફૂલકોબી તરીકે ઓળખાતા શાક જેવા કાન વિશે તો નહીં જ જાણતા હો.
રશિયામાં ઝપાઝપી-બથ્થમબથ્થીના બોક્સિંગ, રેસલિંગ કે રગ્બી જેવા ખેલમાં પ્રહારને કારણે થતી આઘાતજનક ઈજાથી કાનનો આકાર બદલાઈ જતા કોલીફ્લાવર ઈયર શારીરિક ખોડ ગણાય છે. એવા કાન ધરાવતી વ્યક્તિ સામે સૂગથી જોવામાં આવતું હતું. જોકે, આજકાલ એને આદર સાથે જોવામાં આવી રહ્યા છે. આ ભાવપલટાનું કારણ એવું છે કે અનેક રશિયન પુરુષ અન્ય પુરુષોમાં ભય ઉત્પન્ન કરવાના હેતુથી ફ્લાવર જેવા કાન પૈસા ખર્ચી બનાવી રહ્યા છે.
એક અહેવાલ અનુસાર કાન બદલવાની આ પ્રક્રિયા એટલી લોકપ્રિય બની છે કે નોંધણી કરાવવા જાઓ તો એક મહિના પછીની તારીખ મળે, બોલો... ! આ સર્વિસ આપનારી વ્યક્તિ કાન દીઠ 6 હજાર રૂબલ (આશરે 8 હજાર રૂપિયા) ચાર્જ કરે છે. જોકે, ‘શરતો લાગુ’ જેવી વાત પણ કરે છે કે અનુભવી ફાઈટર કે કસાયેલા કુસ્તીબાજ જેવા લુક માટે બીજી કેટલીક પ્રક્રિયા પણ કરવી પડે અને એટલે બિલની રકમમાં વધારો થઈ શકે છે.
ધાક જમાવવા માગતા રશિયન પુરુષોમાં કાનેશ્રી થવાની ઉત્સુકતામાં ઉછાળો આવ્યો છે અને રૂઆબ માટે રૂબલની ચિંતા નથી કરતા. જોકે, નિષ્ણાતોએ એક ચેતવણી પણ ઉચ્ચારી છે કે જો સમગ્ર પ્રક્રિયામાં સાવચેતી ન રાખવામાં આવે તો શ્રવણ શક્તિ જતી રહે કે સ્નાયુ સૂઝી જાય અથવા બીજી કોઈ ખોડની સંભાવના રહેલી છે. એક ફિલોસોફિકલ દલીલ પણ કરવામાં આવી છે કે પૌરુષત્વ માટે બાહરી દેખાવ કરતા મજબૂત મન વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જોકે, બાહ્ય દેખાડાનું મહત્ત્વ ધરાવતી આજની દુનિયામાં...
લ્યો કરો વાત
‘જાના થા જાપાન પહુંચ ગયે ચીન’ જેવો અનુભવ આ દુનિયામાં અનેક લોકોને થયો હશે. કોક વીરલા એવા હોય કે ચીન પહોંચી ગયા પછી પણ જાપાન પહોંચવાનું મનોબળ રાખી એ સફર પૂરી કરતા હોય છે.
યુએસના રહેવાસી નેથન મોરિસને સંગીતની દુનિયામાં કામ કરી નામ અને દામ મેળવવા હતા. જોકે,નિષ્ફ્ળતા મળતા એ વતન પાછો ફર્યો. અહીં એની મુલાકાત ભાવિ પત્ની સાથે થઈ. પત્નીનો પરિવાર ‘ફ્યુનરલ હોમ’ (સ્મશાન ઘર) ચલાવવાનો વ્યવસાય કરતો હતો. કામ મુશ્કેલ હતું, પણ નેથને 25 વર્ષની ઉંમરે અંગત જીવન, પાર્ટી, રજાઓમાં સહેલસપાટા વગેરેને તિલાંજલિ આપી વ્યવસાયમાં જાતને જોતરી દીધી.
પોતાની માલિકીનું ‘ફ્યુનરલ હોમ’ પણ બનાવ્યું. મૃતદેહ સાથે આવતા પરિવારજનો સાથેની વાતચીત પછી નેથનનું હૃદય પરિવર્તન થયું. લોકોના અધૂરા રહી ગયેલા સપનાંની વીતકકથા સાંભળી તેને પણ પોતાનું સંગીતનું અધૂરું રહી ગયેલું સપનું સાંભર્યું. એક દિવસ સોલો ચડ્યો અને ફ્યુનરલ હોમ વેચી સંગીતની દુનિયામાં રત થઈ ગયો અને આજે એના ગીત ધૂમ મચાવે છે.