નવી દિલ્હીઃ ભારતના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારેથી અતિભારે વરસાદના કારણે રવિવારે આસામ, કેરળ અને છત્તીસગઢના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. આ દરમિયાન જાનમાનને નુકસાન થયું હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. ચાલો વિગતે અહેવાલ જોઈએ....
અનેક રાજ્યોમાં અતિભારે વરસાદ સાથે પૂરની આગાહી
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસ માટે અનેક રાજ્યોમાં અતિભારે વરસાદ સાથે પૂરની આગાહી કરી છે, જેથી જે-તે તંત્રને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. છત્તીસગઢની વાત કરવામાં આવે તો, ભારે વરસાદના કારણે નારાયણપુર જિલ્લો સૌથી વધારે પ્રભાવિત થયો છે. અહીં 50થી પણ વધારે મકાનો ધરાશાયી થઈ ગયાં છે. એટલું જ નહીં પરંતુ બે બાળકીઓના મોત થયાં હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. એક સ્થાનિકના જણાવ્યાં પ્રમાણે અચાનક એટલું પાણી આવી ગયું કે કોઈને સાવધાન થવાનો મોકો જ નહોતો મળ્યો! અત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારોમાં જઈને લોકોને મદદ કરવામાં આવી રહી હોવાનું સરકારે જણાવ્યું હતું.
આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે 82 લોકોના મોત
ભારે વરસાદના કારણે સૌથી વધારે નુકસાન આસામ રાજ્યમાં થયું છે. આ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરના કારણે 82 લોકોના મોત થયાં છે. વરસાદ એટલો થયો છે કે, રાજ્યના પાંચ જિલ્લા પુરગ્રસ્ત બન્યાં છે. શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ, નાગાંવ અને ચરાઈદેવના 379 ગામડાંઓ પૂરથી પ્રભાવિત થયાં છે, મહત્વની વાત એ છે કે, 379 ગામમાં કુલ 1.92 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયાં છે. આ દરમિયાન શિવસાગર જિલ્લાના નેપાળી ખૂંટ વિસ્તારના લોકોએ સાહસ દેખાડ્યું હતું. આ ગામાના લોકોએ દેશી નાવડીના સહારે પાંચ ગામના કુલ એક હજારથી પણ વધારે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં હતાં.
આસામમાં પૂરના કારણે અનેક ઘરો ધરાશાયી#assam #Heavyrain #Rain #floods
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) August 3, 2026
pic.twitter.com/B7ppOowx5c
કેરળમાં પૂરના કારણે 8 લોકોના મોત થયાં
કેરળની વાત કરવામાં આવે તો, અહીં વરસાદ અને પૂરના કારણે 8 લોકોના મોત થયાં છે. હજી પણ 8 લોકો ગુમ છે અને 13 લોકો ઘાયલ હોવાથી સારવાર હેઠળ છે. સૂત્રોના જણાવ્યાં પ્રમામે તંત્ર દ્વારા કુલ 5792થી વધારે લોકોને 209 રાહત શિબિરોમાં સ્થળાંતર કર્યાં છે. આ સાથે અનેક મકાનો પણ ઘરાશાયી થયાં છે. મહત્વની વાત એ છે કે, આવી સ્થિતિમાં રાજ્યના સીએમના આદેશ પ્રમાણે પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યાં છે. આ સાથે આર્થિક મદદ માટે પણ જાહેરાત કરવામાં આવી છે.