Sat Aug 15 2026

Logo

હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે પહોંચ્યો શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર, કરાવ્યું મુંડન, IPL પછી નથી રમ્યો કોઇ મેચ

2026-08-02 15:36:10
Author: Mumbai Samachar Team
Article Image

તિરુમાલા: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રવિવારે એટલે કે 2 ઓગસ્ટે આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરે પહોંચ્યો હતો. તેમની સાથે તેમની કથિત ગર્લફ્રેન્ડ માહિકા શર્મા પણ હાજર હતી. બંનેએ સવારે યોજાતી પ્રસિદ્ધ સુપ્રભાતમ સેવામાં ભાગ લીધો હતો અને ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંદિર પરિસરમાંથી બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હાર્દિકે કરાવ્યું મુંડન

તિરુમાલા મંદિરમાં દર્શન દરમિયાન હાર્દિક પંડ્યા પરંપરાગત સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. તેણે મુંડન કરાવેલું હતું અને કપાળ પર તિલક પણ લગાવેલું હતું. બીજી તરફ, માહિકા શર્મા પણ સફેદ પરંપરાગત પોશાકમાં જોવા મળી હતી. બંને સમગ્ર સમય દરમિયાન શ્રદ્ધા અને ભક્તિના ભાવમાં નજરે પડ્યા હતા અને મંદિરની ધાર્મિક પરંપરાઓનું પાલન કરીને પૂજા-અર્ચના કરી હતી.

છેલ્લા કેટલાક મહિનાઓમાં હાર્દિક અને માહિકા શર્મા ઘણી જગ્યાએ એકસાથે જોવા મળ્યા છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધો અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી. આમ છતાં, સોશિયલ મીડિયા પર બંનેની એકસાથે હાજરી સતત ચર્ચાનો વિષય બનેલી છે.

ઈજાના કારણે ક્રિકેટમાંથી બ્રેક

હાર્દિક પંડ્યા હાલમાં ઈજાના કારણે ક્રિકેટમાંથી થોડો બ્રેક લઈને અંગત સમય વિતાવી રહ્યો છે. એવામાં તિરુપતિ બાલાજી પહોંચીને ભગવાનના આશીર્વાદ લેવાને તેમના ચાહકો નવી સફર અને આગામી ક્રિકેટ પડકારો પહેલાં એક આધ્યાત્મિક શરૂઆત તરીકે જોઈ રહ્યા છે. મંદિર પરિસરમાંથી સામે આવેલી તસવીરો પર ફેન્સ સતત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને બંને માટે શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

IPL 2026 પછીથી મેદાનથી દૂર

આ મંદિર યાત્રા હાર્દિકની કારકિર્દીના એક મહત્વપૂર્ણ મોડ પર થઈ છે, કારણ કે તે ઈજામાંથી બહાર આવી પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાર્દિક પંડ્યા IPL 2026 પછીથી ઈજાના કારણે ક્રિકેટથી દૂર છે. પહેલાં તેને પીઠ જકડાઇ જવાની (અકડન) સમસ્યા થઈ, ત્યારબાદ જાંઘની ઈજાએ તેની વાપસી પાછી ઠેલી. IPL 2026 માં તેમણે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી હતી, પરંતુ પાંચ વારની ચેમ્પિયન ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી ન હતી.

ટૂંક સમયમાં થવાની છે વાપસી

મહત્વનું છે કે હાર્દિક પંડ્યા આઈપીએલ 2026 પછી પીઠના ખેંચાણ અને પછીથી જાંઘના સ્નાયુની ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક હવે સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે અને ટીમ ઈન્ડિયામાં વાપસી માટે તૈયાર છે. બીસીસીઆઈ (BCCI) ના સેન્ટર ઓફ એક્સીલન્સમાં તેણે 'રિટર્ન-ટુ-પ્લે' પ્રોટોકોલ પણ પૂર્ણ કરી લીધો છે, જે કોઈપણ ઈજાગ્રસ્ત ખેલાડી માટે વાપસી કરવા પર ફરજિયાત હોય છે. આગામી વ્હાઈટ બોલ (મર્યાદિત ઓવરોની) સીરીઝમાં તેનું કમબેક શક્ય છે.