કોલકાતાઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ પ્લે-ઑફની રેસમાંથી ઘણા દિવસ પહેલાં જ બહાર થઈ ગઈ, કૅપ્ટન હાર્દિક પંડ્યા ઈજાને કારણે ત્રણ મૅચ ન રમ્યો, બુધવારે રહીસહી આબરૂ બચાવવાની તક હતી ત્યારે કોલકાતાએ મુંબઈને હરાવીને વધુ એક આંચકો આપ્યો અને આ સ્થિતિમાં હાર્દિકને મૅચ રેફરીએ 10 ટકા દંડ કર્યો છે એટલે તે વધુ ચર્ચામાં છે.
હાર્દિક (HARDIK)એ બુધવારે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા સામેની મૅચ દરમ્યાન ક્રોધમાં જે હરકત કરી એને બદલ તેને આઇપીએલની આચારસંહિતાના લેવલ-વનના ભંગ બદલ 10 ટકા મૅચ ફીનો દંડ કરવા ઉપરાંત તેના નામે એક ડીમેરિટ પૉઇન્ટ પણ લખવામાં આવ્યો હતો. આ નિયમ મૅચ દરમ્યાન ક્રિકેટના કોઈ સાધનનો અનાદર કરવા અથવા એને નુકસાન પહોંચાડવા સંબંધિત છે.
કોલકાતાની ઇનિંગ્સની 10મી ઓવર ખુદ હાર્દિકે કરી હતી જેના ચોથા બૉલ વખતે આ અનિચ્છનીય ઘટના બની હતી. હાર્દિક રન-અપ પર પાછો આવી રહ્યો હતો ત્યારે તેણે ગુસ્સામાં ફટકો મારીને સ્ટમ્પ્સ પરની બેલ્સ નીચે પાડી દીધી હતી.
મૅચ રેફરી રાજીવ શેઠે હાર્દિકને આ કૃત્ય બદલ વાતચીત માટે બોલાવ્યો હતો અને એ દરમ્યાન હાર્દિકે ગુનો કબૂલ્યો હતો. આ મૅચમાં મુંબઈ આઠ વિકેટે ફક્ત 147 રન બનાવી શક્યું હતું. એમાં હાર્દિકના માત્ર 26 રન હતા અને પછીથી તેને એકેય વિકેટ પણ નહોતી મળી. કોલકાતાએ 18.5 ઓવરમાં છ વિકેટે 148 રન બનાવીને મૅચ જીતી લીધી હતી અને પ્લે-ઑફની આશા જીવંત રાખી હતી.