Tue Oct 06 2026

Logo

વૈભવ સૂર્યવંશીની બેટિંગનો ફેન થયો હાર્દિક પંડ્યા, પીઠ થાબડીને કહી આ વાત

2026-04-08 11:07:00
Author: Mayur Patel
વૈભવ સૂર્યવંશીની બેટિંગનો ફેન થયો હાર્દિક પંડ્યા, પીઠ થાબડીને કહી આ વાત

નવી દિલ્હીઃ આઈપીએલ 2026માં ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો થયો હતો. વરસાદથી પ્રભાવિત મેચમાં રાજસ્થાને મુંબઈને હરાવ્યું હતું. રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીના આક્રમણે મુંબઈના બોલરોના છોતરા કાઢી નાંખ્યા હતા. રાજસ્થાનના યુવા બેટ્સમેન વૈભવ સસૂર્યવંશીએ તેની વિસ્ફોટક ઈનિંગથી તમામે પ્રભાવિત કર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પણ તેની બેટિંગનો ફેન બન્યો છે અને મેચ બાદ તેના ભરપેટ વખાણ કર્યા હતા.

મેચ બાદ હાર્દિક કહ્યું, 15 વર્ષનો છોકરો જે રીતે રમી રહ્યો છે તે જોવું રોચક છે. મેચ પહેલા પણ અમે આ અંગે ઘણી ચર્ચા કરી હતી તે જે રીતે બેટિંગ કરે છે, તેની નીડરતા અને શોટ્સ રમવાની ક્ષમતા શાનદાર છે. હું તેના ભવિષ્યની શુભકામના પાઠવું છું. હાર્દિકે મેચ બાદ વૈભવની પીઠ થાબડી હતી. જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. 

બુમરાહ સામે પણ દેખાડ્યો દમ

આ મુકાબલમાં વૈભવ સૂર્યવંશીનો સામનો વિશ્વના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર પૈકીના એક જસપ્રીત બુમરાહ સામે થયો હતો. યુવા બેટ્સમેને કોઈ જર વગર બુમરાહની એક જ ઓવરમાં બે તોતિંગ સિક્સ મારી હતી. વૈભવ બુમરાહનો પ્રથમ વખત જ સામનો કરતો હતો અને પ્રથમ બોલ પર જ સિક્સ મારી હતી. જે બાદ વધુ એક સિક્સ મારી હતી. 


વૈભવે મુંબઈ સામે 14 બોલમાં એક ચોગ્ગો અને પાંચ છગ્ગાની મદદથી 39 રનની ઈનિંગ રમી હતી. જેના પરથી તેણે તે કોઈપણ મેચ માટે સંપૂર્ણ તૈયાર હોવાનું સાબિત કર્યું હતું. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 11 ઓવરમાં ત્રણ વિકેટે 150 રન કરીને મુંબઈને 151 રનનો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. યશસ્વી જયસ્વાલ (77 અણનમ, 32 બૉલ, ચાર સિક્સર, દસ ફોર) ટૉપ-સ્કોરર હતો. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 11 ઓવરમાં નવ વિકેટે 123 રન કરી શકી હતી. રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુર સહિત સાત બૅટ્સમેન સિંગલ ડિજિટમાં રન કરી શક્યા હતા.