Sun May 10 2026

Logo

શું કોરોના જેવી જ પરિસ્થિતિ લાવશે આ નવો હન્ટા વાઈરસ? WHOએ આપી ચેતવણી, જાણો એક્સપર્ટ્સ શું કહે છે...

2026-05-08 15:21:08
Author: Darshana Visaria
Article Image

હાલમાં દુનિયાભરની હેલ્થ એજન્સીઓ કોરોના મહામારીના ભયાનક અનુભવ બાદ હવે હન્ટા વાઈરસને લઈને જોરદાર ચર્ચાઓ શરૂ થઈ છે. એમાં પણ ખાસ કરીને લક્ઝરી ક્રૂઝ શિપ 'MV Hondius' પર આ વાઈરસના કેસ જોવા મળતાં અને ત્રણ લોકોના મોત બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એલર્ટ જારી કર્યું છે. પરંતુ શું આ વાયરસ કોરોના જેટલો જ ખતરનાક અને ચેપી છે? ચાલો જોઈએ આખરે કોરોના કરતાં કેટલો અલગ છે આ વાઈરસ અને એક્સપર્ટ્સ આ વિશે શું કહે છે... 

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર કોરોના વાઈરસ હવામાંથી ખૂબ જ ઝડપથી ફેલાતો હતો, જ્યારે હન્ટા વાઈરસ એ રીતે ફેલાતો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક્સપર્ટ ડો. મારિયા વાન કેરખોવના જણાવ્યા મુજબ, હન્ટા વાઈરસ સામાન્ય રીતે ઇન્સાનથી ઈન્સાનમાં ફેલાતો નથી. તે માત્ર અત્યંત નજીકના અને લાંબા સમયના સંપર્કથી જ ફેલાઈ શકે છે.

હન્ટા નામનો આ વાઈરસ મુખ્યત્વે ઈન્ફેક્ટેડ ઉંદર કે પછી તેના મળ-મૂત્રના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જોકે, આ કેસમાં 'એન્ડીઝ સ્ટ્રેન' હોવાની આશંકા છે, જે ખૂબ જ દુર્લભ છે અને માનવીથી માનવીમાં ફેલાવાની મર્યાદિત ક્ષમતા ધરાવે છે. આ વાઈરસના લક્ષણો દેખાવામાં છ અઠવાડિયા જેટલો લાંબો સમય લાગી શકે છે, જે તેને કોરોના કરતા અલગ પાડે છે.

'MV Hondius' ક્રૂઝ પર અત્યાર સુધી આઠ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાંથી પાંચ લોકોમાં વાઈરસની પુષ્ટિ થઈ છે અને ત્રણના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. હુ દ્વારા આ નવા વાઈરસને લઈને 12 દેશોને એલર્ટ મોકલ્યું છે જ્યાં આ ક્રુઝના મુસાફરો ઉતર્યા હતા. હાલમાં યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલની ટીમ ક્રુઝ પર આ મામલે આકરી તપાસ કરી રહી છે.

નિષ્ણાતોના મતે, હંતા વાયરસ કોરોનાની જેમ વિશ્વવ્યાપી મહામારી (Pandemic) બને તેવી શક્યતા ઘણી ઓછી છે. બંધ જગ્યાઓ (જેમ કે ક્રૂઝ શિપ) માં લાંબો સમય સાથે રહેવાથી જોખમ વધી શકે છે, પરંતુ સામાન્ય સંજોગોમાં તે ઝડપથી ફેલાતો નથી. છતાં, સ્વાસ્થ્ય એજન્સીઓ અત્યંત સતર્કતા જાળવી રહી છે.