મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં મંગળવારે ફિનટેક ફેસ્ટનું ઉદ્ઘાટન કરાયું તેની પૂર્વસંધ્યાએ સોમવારે નજીકના જ લકઝરી શોપિંગ મૉલમાં પીએમઓ (પ્રાઇમ મિનિસ્ટર ઑફિસ)ના નકલી આઇ-કાર્ડ સાથે પકડાયેલા ગુજરાતી યુવક રોહન પરીખે દાવો કર્યો હતો કે તે પરિવારને પ્રભાવિત કરવા માગતો હતો અને પોતે યોગ્ય હેતુ માટે કામ કરી રહ્યો છે, એવું બતાવવા માગતો હતો.
ખારના રોહન પ્રેમલ પરીખ (24)ની નકલી પીએમઓ કાર્ડ સાથે જિયો વર્લ્ડ પ્લાઝા મૉલમાં ઘૂસવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. રોહનની સાથે દિલીપ કુંડે (49) પણ પકડાયો હતો, જેની પાસેથી કારતૂસો ભરેલી રિવોલ્વર મળી આવી હતી. બંને જણ મૉલમાં જવા માગતા હતા, પરંતુ રિવોલ્વર સાથે અંદર કોઇને પ્રવેશ નહીં આપી શકાય, એવું ત્યાંના સિક્યોરિટી સ્ટાફે જણાવ્યું હતું. આને કારણે તેમની વચ્ચે દલીલબાજી થઇ હતી. રોહન દાવો કર્યો હતો કે તે પીએમઓ કાર્યાલયનો અધિકારી છે અને તેણે પીએમઓ કાર્ડ બતાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે મૉલની બાજુમાં જ આવેલા નિતા મૂકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં એક કાર્યક્રમમાં આવવાના હતા. તેના એક દિવસ પૂર્વે (7 સપ્ટેમ્બરે) આ ઘટના બની હતી, જેમાં રોહન અને દિલીપ કુંડેની ધરપકડ કરાઇ હતી.
પોલીસને શંકા છે કે રોહન પીએમઓનું નકલી ડિજિટલ ઓળખપત્ર બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. હજી પણ ટેક્નિકલ વિગતોની તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પૂછપરછ દરમિયાન રોહને દાવો કર્યો હતો કે તે પરિવારને પ્રભાવિત કરવા માગતો હતો અને પોતે પીએમઓ કાર્યાલય માટે કામ કરી રહ્યો છે એવું બતાવવા માગતો હતો. આથી તેણે નકલી કાર્ડ બનાવ્યું હતું. જોકે અમને તેના દાવા પર વિશ્ર્વાસ નથી. રોહને દાવો કર્યો હતો કે તેને પીએમઓ ખાતે ભૂમિકા અને પસંદગી અંગે સમર્થન આપતો ઇમેઇલ 2024માં પ્રાપ્ત થયો હતો. આ અંગે પણ અમે તપાસ કરી રહ્યા હોવાનું અધિકારીએ કહ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર રોહન, કુંડે અને પ્રથમેશ બાગુલ નામના તેમના સાથીએ મૉલના સિક્યુરિટી સ્ટાફને ડિજિટલ પીએમઓ કાર્ડ બતાવીને પ્રવેશ મેળવ્યો હતો. બાદમાં તેમણે મૉલમાં જઇને પરફ્યુમ અને વૉલેટ ખરીદ્યું હતું. (પીટીઆઇ)