Tue Oct 06 2026

Logo

બૅન્ગકોકથી આવેલા વડોદરાના ગુજરાતીની ધરપકડ: 4.70 કરોડનો ગાંજો જપ્ત

2026-06-09 10:48:00
Author: Yogesh C. Patel
બૅન્ગકોકથી આવેલા વડોદરાના ગુજરાતીની ધરપકડ: 4.70 કરોડનો ગાંજો જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ બૅન્ગકોકથી આવેલા ગુજરાતના રહેવાસીની ધરપકડ કરી અંદાજે 4.70 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો હતો.

કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટે (એઆઈયુ) ધરપકડ કરેલા આરોપીની ઓળખ પ્રણવ કૌશિકભાઈ ભટ્ટ (35) તરીકે થઈ હતી. વડોદરાના સયાજીપુરા ખાતે રહેતા ભટ્ટ પાસેથી ઉચ્ચ ગુણવત્તાવાળો 4.70 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.

આરોપી બૅન્ગકોકથી ઈન્ડિગોની ફ્લાઈટમાં સોમવારની સવારે મુંબઈ ઍરપોર્ટ પહોંચ્યો હતો. શંકાને આધારે એઆઈયુના અધિકારીઓએ તેના સામાનની તપાસ કરી હતી. તેની પાસેની બ્લ્યુ રંગની ટ્રૉલી બૅગમાંથી પ્લાસ્ટિકથી પૅક કરાયેલાં 10 પૅકેટ્સ મળી આવ્યાં હતાં. આ પૅકેટ્સ કપડાંની વચ્ચે સંતાડવામાં આવ્યાં હતાં.

કહેવાય છે કે પૅકેટ્સ ખોલતાં તેમાંથી ડ્રગ્સ મળ્યું હતું. ફીલ્ડ ટેસ્ટિંગ કિટ પર ચકાસણી કરતાં પૅકેટ્સમાં ગાંજો હોવાનું જણાયું હતું. અધિકારીઓએ ગાંજો જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી. આ પ્રકરણે એઆઈયુ વધુ તપાસ કરી રહી છે.