Tue Sep 15 2026

Logo

અમદાવાદીઓની રજા બગાડશે મેઘરાજા? રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

2026-09-13 07:43:00
Author: Mumbai Samachar Team
અમદાવાદીઓની રજા બગાડશે મેઘરાજા? રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં શનિવારે સાંજે 7 વાગ્યા પછી વરસાદી ઝાપટા પડ્યા હતા. લગભગ એક કલાક સુધી ભારેથી માંડીની ધીમીધારે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વેજલપુર, જીવરાજપાર્ક, મકરબા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે 13 સપ્ટેમ્બરે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે.  આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અને સમગ્ર રાજ્યમાં થંડરસ્ટોર્મ વોર્નિંગ છે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓ માટે ગાજવીજ સાથે વરસાદનું યેલો એલર્ટ આપ્યું છે.

આવતીકાલે અને 15 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર રહેશે. આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

15 સપ્ટેમ્બરના રોજ વરસાદનું મુખ્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર તરફ રહેશે, જેમાં પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે. અહીં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 16 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. 17 સપ્ટેમ્બરે કોઈ મોટી હવામાન સિસ્ટમમાં ફેરફારની આગાહી નથી.