અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક હિસ્સામાં મહત્તમ તાપમાન સામાન્યથી ઘણું વધારે નોંધાયું હતું. ઉત્તર ભારત, ઉત્તર-પૂર્વ ભારત અને મધ્ય ભારતના અનેક વિસ્તારમાં તાપમાન 5 થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારે નોંધાયું હતું. આ સપ્તાહમાં સીઝનમાં પ્રથમવાર ઉત્તર ભારતમાં હીટવેવ નોંધાઈ હતી.
ગુજરાતમાં આ વર્ષે માર્ચ મહિનામાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુરુવારે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રાજ્યની સૌથી વધારે ગરમી નોંધાઈ હતી. રાજકોટમાં 40.6 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 38.9 ડિગ્રી, અમરેલીમાં 39.5 ડિગ્રી, વડોદરામાં 39 ડિગ્રી, ભાવનગરમાં 37 ડિગ્રી, ભુજમાં 39.6 ડિગ્રી, દાહોદમાં 36.2 ડિગ્રી, દમણમમાં 34.4 ડિગ્રી, ડાંગમાં 38.9 ડિગ્રી, દ્વારકામાં 29 ડિગ્રી, ગાંધીનગરમાં 38.4 ડિગ્રી, કંડલામાં 36.3 ડિગ્રી, નલિયામાં 35.2 ડિગ્રી, ઓખામાં 30.4 ડિગ્રી, પોરબંદરમાં 36.2 ડિગ્રી, સુરતમાં 39.2 ડિગ્રી, વેરાવળમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બુધવારે દેશના 10 સૌથી ગરમ શહેરોમાં ગુજરાતના 8 શહેરો હતા.
IMD Weather Warning !
— India Meteorological Department (@Indiametdept) March 12, 2026
Heat wave to severe heat wave conditions likely over Gujarat & adjoining Southwest Madhya Pradesh on 12th & 13th March.
Relief expected thereafter.
Stay hydrated and avoid prolonged sun exposure.#IMDWeather #WeatherUpdate #HeatAlert #IndiaWeather… pic.twitter.com/TSscNt0s7V
ગરમ પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું
હાલમાં રાજ્યમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના લીધે ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં 13 માર્ચ સુધી વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેવાને કારણે લોકોને અસહ્ય બફારો અને અસ્વસ્થતા અનુભવાઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 14 માર્ચથી 18 માર્ચ વચ્ચે ગુજરાતના વાતાવરણમાં બદલાવ આવશે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ સક્રિય થશે. 19 માર્ચથી 25 માર્ચ સુધી તેનો પ્રભાવ રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

દેશમાં કેવું રહેશે હવામાન
દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણાથી લઈને રાજસ્થાન સુધી કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાન બદલાવાનું છે. મેદાની વિસ્તારોમાં આંદી અને વરસાદ, જ્યારે પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ હિમાલયી ક્ષેત્રમાં 14 થી 16 માર્ચ દરમિયાન ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તેજ પવન અને ક્યાંક ક્યાંક વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. મધ્ય ભારતમાં 14 અને 16 માર્ચે અને પૂર્વી ભારતમાં 15 થી 17 માર્ચ દરમિયાન વીજળીના કડાકા અને ભારે પવન સાથે હવામાન બદલાશે. હવામાન વિભાગે 15 માર્ચે દિલ્હી અને વેસ્ટ યુપીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
દેશમાં હવામાનનો મિજાજ આજકાલ સતત બદલાઈ રહ્યો છે. મેદાની વિસ્તારોમાં ગરમીએ પોતાનું તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે, જ્યારે પહાડી વિસ્તારોમાં વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં લૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સાથે જ, IMDનું અનુમાન છે કે આગામી બે અઠવાડિયા સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાની શક્યતા છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લાના ઉંચાઈવાળા વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા નોંધાઈ છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી બે-ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ અને તાપમાનમાં ઘટાડાનું અનુમાન છે.