Fri Sep 04 2026

Logo

અમદાવાદમાં આજે બે પાવરહાઉસની ટક્કરઃ નંબર-વન થવા ગુજરાત-હૈદરાબાદ વચ્ચે તીવ્ર હરીફાઈ

2026-05-12 18:59:37
Author: Ajay Motiwala
અમદાવાદમાં આજે બે પાવરહાઉસની ટક્કરઃ નંબર-વન થવા ગુજરાત-હૈદરાબાદ વચ્ચે તીવ્ર હરીફાઈ

GT


અમદાવાદઃ આઇપીએલ (IPL)ની 19મી સીઝન લીગ રાઉન્ડના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે અને ટોચની ટીમો વચ્ચે ટૉપ-ટૂમાં રહેવા માટેની હરીફાઈ તીવ્ર બની છે. ઉલ્લેખનીય છે કે ટૉપ-ટૂમાં પહોંચનારી ટીમ વચ્ચે ક્વૉલિફાયર-વનમાં જે મુકાબલો થશે એમાં જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પહોંચે અને પરાજિત ટીમને ફાઇનલમાં પહોંચવા માટે વધુ એક મોકો મળે. એટલે જ આજે (સાંજે 7.30 વાગ્યાથી) ગુજરાત (Gujarat) અને હૈદરાબાદ (Hyderabad) વચ્ચે જોરદાર રસાકસી જોવા મળશે. ગુજરાતની ટીમ આજે જીતશે તો સતત પાંચ મૅચ જીતવાના 2022ની સાલના પોતાના વિક્રમની બરાબરી કરશે.

ગુજરાત (14 પૉઇન્ટ, +0.228નો રનરેટ) ત્રીજા નંબરે અને હૈદરાબાદ (14 પૉઇન્ટ, +0.737નો રનરેટ) બીજા નંબરે છે. બન્ને ટીમને આજે જીતીને 16 પૉઇન્ટ સાથે નંબર-વન થવાની તક છે એટલે કોણ બેંગ્લૂરુને મોખરાના સ્થાનેથી હટાવશે એ જોવું રહ્યું.

બન્ને ટીમમાં શુભમન ગિલના સુકાનમાં ગુજરાતની ટીમ થોડી સારી સ્થિતિમાં છે. કારણકે ગુજરાતે લીગ રાઉન્ડમાં ધીમી શરૂઆત કરી હતી, પરંતુ છેલ્લી ચારેય મૅચ જીતીને મોખરે થવા માટેનો તખ્તો જાણે તૈયાર કરી લીધો છે. બીજી તરફ, હૈદરાબાદ પાસે પણ બૅટિંગમાં પાવર-હિટર્સ છે.

આ વખતે પહેલી જ વખત ગુજરાત-હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ રહી છે. બેઉ ટીમ પાછલી મૅચમાં સંપૂર્ણ પ્રભુત્વ સાથે વિજય મેળવીને આમનેસામને આવી છે. ગુજરાતે શનિવારે જયપુરમાં રાજસ્થાનને 77 રનથી હરાવ્યું હતું અને ગયા બુધવારે હૈદરાબાદમાં પૅટ કમિન્સના સુકાનમાં હૈદરાબાદની ટીમે પંજાબની સફળ ટીમને 33 રનથી પરાજિત કરી હતી.