Thu Jun 18 2026

Logo

દિલ્હી-ગુજરાતના વાતાવરણમાં પલટોઃ અમરેલી-લાલપુરમાં પવન સાથે કમોસમી વરસાદ

2026-03-18 21:13:00
Author: Mumbai Samachar Team
Article Image

દિલ્હી-એનસીઆરમાં આગામી ત્રણ દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હી/અમરેલીઃ દેશના પાટનગર દિલ્હી સહિત ગુજરાતના વાતાવરણમાં આજે બપોર-સાંજ પછી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદનું આગમન થયું છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં સરેરાશ દસ ડિગ્રી તાપમાનમાં વધારા પછી આજે તાપમાનમાં પાંચથી છ ડિગ્રી ઘટાડાને કારણે ગરમીથી લોકોને છુટકારો મળ્યો છે.

આજે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં મેઘાવી માહોલ જોવા મળતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત થઈ હતી. અમરેલીના બગસરામાં કરા સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ હતી, ખાસ કરીને કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ અણધાર્યા વરસાદે સર્જી દીધી હતી. સમગ્ર અમરેલી પંથકમાં મેઘાવી માહોલને કારણે અને વાતાવરણમાં ભેજના કારણે ઘઉં, ચણા અને કાંદા જેવા રવિ પાકોને વ્યાપક નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. તો બીજી તરફ દિલ્હીના હવામાનમાં એકાએક પલટો આવતા દિલ્હી-NCR સહિત નોઈડા અને ગ્રેટર નોઈડામાં પવન સાથે વરસાદ પડ્યો હતો. 

અમરેલી અને લાલપુરમાં વરસાદ

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પંથકમાં અમરેલીના બગસરામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને બફારાથી આંશિક છૂટકારો મળ્યો હતો. જ્યારે જામનગરના લાલપુર પંથકમાં વરસાદ પડતા રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો.લાલપુર તાલુકાના અપીયા, રાફુદળ, વિંજપરા, ગોદારી અને ટીમડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી વાદળા દેખાતા ખેડૂતોની ચિંતા વધી છે. ભારે પવન સાથે કરા પડતા રસ્તા પર સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. અણધાર્યા વરસાદથી ગ્રામજનો પણ આશ્ચર્યચકિત થયા હતા. 

દિલ્હીમાં પ્રદૂષણ ઘટ્યું

બુધવારની સાંજ દિલ્હી અને તેની આસપાસના નાના શહેરો માટે તાજગીભરી રહી હતી. નોઈડા અને ગ્રેટર નોઈડા સહિતના પ્રદેશમાં વાતાવરણ પલટાતા ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. હરિયાણાના બોર્ડર એરિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થતા ફાગણ મહિનામાં અષાઢી અહેસાસ થયો હતો. સામાન્ય લોકોને ગરમીથી છૂટકારો મળ્યો તો ખેડૂતોમાં ચિંતા વધી ગઈ હતી. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે. 

કરા પડી શકે છે 

દિલ્હી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં કરા પડી શકે છે. મહત્તમ તાપમાન નીચું ઊતરી શકે છે. પશ્ચિમી હિમાલયના વિસ્તારોમાં 20 માર્ચ સુધીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. વરસાદ સાથે ભારે પવન અને ગાજવીજ થવાના પણ એંધાણ છે. દેશના અનેક ભાગોમાં મોટી પાયે વાવાઝોડા અને પલટતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનીઅસરથી આવતા એક અઠવાડિયા સુધી દિવસનું તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાના અણસાર વર્તાય રહ્યા છે. 
આગામી એક અઠવાડિયાની અંદર કોઈ મહત્વપૂર્ણ હિટવેવ શરૂ થાય એવી સંભાવનાઓ છે. વરસાદ બાદ ગરમીથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં દેશના અનેક રાજ્યોમાં તીવ્ર ગરમી છે, જેના કારણે લોકો માર્ચ મહિનામાં જ જૂન-જુલાઈ જેવી ગરમી અનુભવતા હોવાનું અનુભવતા હોય છે.

કાશ્મીરમાં વાતાવરણ પલટાશે

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 19 અને 20 માર્ચના રોજ કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્ય અને પૂર્વી ભારતમાં 22 માર્ચ સુધી છૂટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.ભારે પવન ફૂંકાશે, 18 માર્ચેછત્તીસગઢમાં 18 અને 19 માર્ચે, પૂર્વી મધ્ય પ્રદેશમાં 19 અને 20 માર્ચે, ઓડિશામાં 19 થી 21 માર્ચના રોજ છૂટોછવાયો વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે.