Tue Aug 18 2026

Logo

રાજ્યમાં 109 પૈકી 100 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ, જાણો અંબાલાલે ખેડૂતોને શું આપી સલાહ

2026-08-04 08:10:00
Author: Mayur Patel
Article Image

 

અમદાવાદઃ રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી છ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જે પૈકી 100 તાલુકામાં એક ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો હતો. અંબાલાલ પટેલે ખેડૂતોને મોટી સલાહ આપી હતી.

ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. કપરાડામાં 2.52 ઇંચ, નાનાપોંઢામાં 2.13 ઇંચ અને ધરપુરમાં 1.65 ઇંચ વરસાદ પડ્યો હતો.

ખંભાતમાં 1.42 ઇંચ, ડાંગમાં 1.42 ઇંચ, ભરૂચમાં 1.26 ઇંચ, પાદરામાં 1.06 ઇંચ, વાપીમાં 1.06 ઇંચ, ખેરગામમાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાયના 100 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 5 ઓગસ્ટથી રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે. 8 થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 12 થી 15 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટાં પડી શકે છે.

આ ઉપરાંત તેમણે ખેડૂતોને સલાહ આપતાં જણાવ્યું કે, ખેડૂતોએ કૃષિ પાકમાં જીવાત પડવાને કારણે પાક સંરક્ષણના પગલાં ભરવા જોઈએ. હાલ આશ્લેષા નક્ષત્રમાં ખેતીના કામ કરવા સારા માનવામાં આવતા નથી. 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્રનું પાણી ખેતી માટે સારું ગણાય છે.

રાજ્યના 38 તાલુકા એવા છે જ્યાં સિઝનનો 100 ટકા વરસાદ વરસ્યો છે જ્યારે 84 તાલુકામાં હજુ 50 ટકા વરસાદ પણ વરસ્યો નથી. અત્યારસુધી વલસાડ જિલ્લામાં સૌથી વધુ 98.50 ઈંચ જ્યારે દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો બે ઈંચ વરસાદ નોંધાયો છે.