અમદાવાદઃ રાજ્યમાં અત્યાર સુધી મિશ્ર ચોમાસં જોવા મળ્યું છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે તો કેટલીક જગ્યાએ હજુ પણ વરસાદની ખેંચ જોવા મળી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે એકપણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો નહોતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 0.79 ઇંચ, સુરતના મહુવામાં 0.59 ઇંચ, તાપીના વ્યારામાં 047 ઇંચ, નવસારીમાં 0.47 ઇંચ, નવસારીના ગણદેવીમાં 0.47 ઇંચ, નવસારીના જલાલપોરમાં 0.43 ઇંચ, વલસાડના ઉમરગામમાં 0.43 ઇંચ, મહીસાગરના સંતરામપુરમાં 0.39 ઇંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ અનુસાર, આજથી 11 ઓગસ્ટ 2026 દરમિયાન વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, આણંદ, ખેડા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અનુસાર, 12થી 15 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ક્યાંક ક્યાંક ધોધમાર વરસાદની શક્યતા પણ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 69.92 ટકા વરસાદ વરસી ચુક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96.56 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 29.05 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 51.33 ટકા, પૂર્વ મધ્યમાં 66.79 ટકા અને સૌરાષ્ટ્રમાં 54.56 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. નર્મદા ડેમ 79.79 ટકા ભરાયેલો છે. રાજ્યમાં 35 ડેમ હાઈએલર્ટ પર છે. 100 ડેમ 26 ટકા ભરાયેલા છે.
રાજ્યમાં સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં માત્ર 6.23 ટકા જ વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં 17.61 ટકા અને જામનગરમાં 28.5 ટકા વરસાદ નોંધાયો છે.