Fri Oct 02 2026

Logo

ગુજરાત સરકારનો પ્રસ્તાવિત કલ્પસર પ્રોજેક્ટ રાજયની કાયાપલટ કરશે, જાણો વિગતે

2026-09-24 17:53:42
Author: Mumbai Samachar Team
ગુજરાત સરકારનો પ્રસ્તાવિત કલ્પસર પ્રોજેક્ટ રાજયની કાયાપલટ કરશે, જાણો વિગતે

ગાંધીનગર: ગુજરાત સરકારનો પ્રસ્તાવિત કલ્પસર પ્રોજેક્ટ રાજય કાયાપલટ કરવા માટે સક્ષમ છે. આ પ્રોજેકટમાં  ખંભાતના અખાતના એક હિસ્સાને પાળા (ડાઈક) દ્વારા બંધ કરીને મીઠા પાણીનો વિશાળ જળાશય બનાવવાનો સમાવેશ થાય છે. જો આ પ્રોજેક્ટ સાકાર થાય તો સૌરાષ્ટ્રમાં પાણીની અછત દૂર થશે. તેમજ  સુરત અને ભાવનગર વચ્ચેનું મુસાફરીનું અંતર પણ લગભગ અડધું થઇ જશે. 

પાણીને સમુદ્રમાં ભળતા પહેલાં જ રોકીને સંગ્રહિત કરવાનો  હેતુ 

ગુજરાતના કલ્પસર પ્રોજેકટનો મુખ્ય આધાર નદીમાં વહી જતાં પાણીને રોકીને તેનો ઉપયોગ કરવાનો છે. જેમાં દર વર્ષે કરોડો લિટર નદીનું પાણી વહીને સમુદ્રમાં ભળી જાય છે. જો આ પાણીને સમુદ્રમાં ભળતા પહેલાં જ રોકીને સંગ્રહિત કરવાનો છે. 

ખંભાતના અખાત પર 60 કિલોમીટર લાંબો બંધ(ડાઇક) બાંધવાની યોજના 

આ યોજનામાં ખંભાતના અખાત પર 60 કિલોમીટર લાંબો બંધ (ડાઈક) બાંધીને નર્મદા, સાબરમતી, મહી અને ઢાઢર જેવી નદીઓના પાણીનો સંગ્રહ કરવાનો અને તેના દ્વારા મીઠા પાણીનો એક વિશાળ જળાશય બનાવવાનો સમાવેશ થાય છે. જો આ પ્રોજેક્ટ સફળ થાય તો તે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની અછતની સમસ્યા હળવી કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

કનેક્ટિવિટીમાં નોંધપાત્ર પરિવર્તનની શકયતા 

આ ઉપરાંત  સુરત અને ભાવનગર વચ્ચેનું રોડ માર્ગે અંતર 356 કિલોમીટર છે.  કલ્પસર પ્રોજેક્ટ હેઠળ નિર્ધારિત પાળા (ડાઈક) પર સડક અને પરિવહન કોરિડોર વિકસાવવાનો પ્રસ્તાવ છે. પ્રોજેક્ટના દસ્તાવેજો અનુસાર આનાથી અંતર ઘટીને આશરે 177  કિલોમીટર થઈ શકે છે.જેનાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર પરિવર્તન આવી શકે છે.

પ્રોજેક્ટનો ખર્ચ  રૂપિયા 1.33 લાખ કરોડ

આ ઉપરાંત સમય જતાં આ પ્રોજેક્ટનો ખર્ચ વધ્યો છે. વર્ષ 2022ના પ્રી-ફિઝિબિલિટી રિપોર્ટમાં ખર્ચનો અંદાજ આશરે  રૂપિયા 1 લાખ કરોડ લગાવવામાં આવ્યો હતો. જોકે, તે જ વર્ષે મે મહિનામાં પર્યાવરણીય મંજૂરીની પ્રક્રિયાને લગતા દસ્તાવેજોમાં અંદાજિત ખર્ચ વધીને આશરે  રૂપિયા 1.33 લાખ કરોડ  હોવાનું દર્શાવવામાં આવ્યો છે. આ ભારતની સૌથી મોંઘી જળ અને દરિયાકાંઠાની માળખાગત સુવિધા પરિયોજનાઓમાંની એક બની શકે છે.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પ્રસ્તાવોમાં આશરે 2470 મેગાવોટની હાઇબ્રિડ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા વિકસાવવાની ક્ષમતા રહેલી છે.

જોકે,  આ પ્રોજેક્ટનું વાસ્તવિક બાંધકામ હજુ શરૂ થયું નથી. ડિસેમ્બર 2025 સુધીમાં 'વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ' ને આખરી ઓપ આપવાની પ્રક્રિયા ચાલુ હતી. આ યોજનાનું બાંધકામ વર્ષ 2028ની આસપાસ શરૂ થશે અને 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જોકે, સરકારે હજુ સુધી કોઈ અંતિમ તારીખ જાહેર કરી નથી. 

ભારત અને નેધરલેન્ડે પ્રોજેક્ટ માટે તકનીકી સહયોગ પર હસ્તાક્ષર કર્યા 

ઉલ્લેખનીય છે કે, મે 2026માં ભારત અને નેધરલેન્ડે આ પ્રોજેક્ટ માટે તકનીકી સહયોગ અંગેના 'લેટર ઓફ ઈન્ટેન્ટ' પર હસ્તાક્ષર કર્યા હતા. દરિયાઈ જળ વ્યવસ્થાપન અને દરિયાકાંઠાના મોટા બંધોના નિર્માણમાં નેધરલેન્ડને વૈશ્વિક અગ્રણી માનવામાં આવે છે. એવું જણાવવામાં આવ્યું છે કે દરિયાકાંઠાની ઈજનેરી  દરિયાઈ જળ નિયંત્રણ અને જળાશયની ડિઝાઈન જેવા જટિલ પાસાઓ માટે ડચ નિપુણતાનો ઉપયોગ કરવામાં આવશે.

દરિયાઈ જીવસૃષ્ટિ પર સંભવિત અસર અને નાણાંકીય ખર્ચ મુખ્ય પડકાર 

વાસ્તવમાં, આ પ્રોજેક્ટનું કદ તેમાં રહેલા પડકારોની વિશાળતાને અનુરૂપ છે. પ્રથમ, દરિયાઈ જીવસૃષ્ટિ પર સંભવિત અસર અંગે ચિંતાઓ છે. બીજો પડકાર  બાંધકામ દરમિયાન ખાડીમાં ભરતી-ઓટના ફેરફારોનું સંચાલન કરવાનો છે. આ ઉપરાંત ખારા અને મીઠા પાણીના મિશ્રણને અટકાવવું એ પણ એક મોટી સમસ્યા છે. જોકે, નાણાકીય ખર્ચ એક મુખ્ય પડકાર  છે. આ જ કારણોસર  વર્ષોથી આ પ્રોજેક્ટ હજુ સુધી બાંધકામના તબક્કા સુધી પહોંચી શક્યો નથી.