Fri Oct 02 2026

Logo

ગુજરાત હાઈકોર્ટમાં પિતાએ બાળક ગુમ થયાની ફરિયાદ કરી, મહારાષ્ટ્ર પોલીસને કહ્યું મેં જ મારી નાખ્યો છે

2026-09-24 16:07:42
Author: Pooja Shah
ગુજરાત હાઈકોર્ટમાં પિતાએ બાળક ગુમ થયાની ફરિયાદ કરી, મહારાષ્ટ્ર પોલીસને કહ્યું મેં જ મારી નાખ્યો છે

અમદાવાદઃ ઘનશ્યામ બોરસે નામના એક પિતાએ ગુજરાત હાઈકોર્ટને વિનંતી કરી હતી કે ઑગસ્ટ, 2025માં ખોવાયેલા તેના 14 વર્ષીય દીકરાને શોધવા માટે પોલીસને નિર્દેશ આપે જ્યારે મહિનાઓ બાદ પોલીસે કોર્ટને કહ્યું કે બોરસેએ મહારાષ્ટ્ર પોલીસ સામે એવું કબૂલ્યું હતું કે તેણે જ પોતાના દીકરાને મારી નાખ્યો હતો. આ બાદ કોર્ટે તેને પોતાની અરજી પરત ખેંચવા જણાવ્યું હતું. જોકે બાળક હજુ મળ્યું નથી. 

એક અહેવાલ અનુસાર સુરતના રહેવાસી બોરસેએ ઓગસ્ટ 2025માં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. માર્ચમાં, તેમને લાગ્યું કે પોલીસ પૂરતી કાર્યવાહી કરી રહી નથી, તે હેબિયસ કોર્પસ અરજી સાથે હાઇકોર્ટમાં ગયો હતો. તેણે શંકા જતાવી હતી કે તેની અલગ થયેલી પત્ની પાસે છોકરો ચાલ્યો ગયો હશે. વર્ષ 2017માં દંપતીએ છૂટાછેડા લીધા હતા.

દરમિયાન કોર્ટના ધ્યાનમાં આવ્યું હતું કે જળગાંવ ખાતે પોલીસ પૂછપરછમાં બોરસેએ દીકરાને મારી નાખ્યાનું સ્વીકાર્યું હતું. જોકે બોરસેએ પોતાનું નિવેદન ગુજરાત પોલીસ સામે ફેરવી તોળ્યું હતું અને પોતે દબાણમાં આવી આમ કહ્યું હતું અને તેણે દીકરાને માર્યો નથી. 

આને કારણે પોલીસે તેના એસડીએસ અને એલવીએ ટેસ્ટ લેવાની પરવાનગી માગી હતી, પરંતુ સુરત કોર્ટે પરવાનગી આપી ન હતી. 

હાઈકોર્ટની કાર્યવાહીમાં, પોલીસે કબૂલાતનો ખુલાસો કર્યો અને કહ્યું કે તેઓ પરીક્ષણો માટે પરવાનગી મેળવવા માટે રિવિઝનલ કોર્ટમાં જશે. બોરસેના વકીલે પણ હાઈકોર્ટને કહ્યું કે બોરસેએ આ નિવેદન હતાશામાં આપ્યું હતું. 
સોમવારે, કોર્ટની બેન્ચે આ નિવેદન તરફ ધ્યાન દોર્યું અને અવલોકન કર્યું કે તે એક કબૂલાત સમાન છે. કોર્ટે કહ્યું કે આ સંજોગોમાં અરજી પાછી ખેંચી લેવી બોરસેના હિતમાં રહેશે. 

ગુમ થયેલા બાળકની તપાસનો કેસ ડિંડોલી પોલીસ પાસે છે. તેમના વકીલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ બોરસેને ટેસ્ટમાંથી પસાર થવાની સલાહ આપશે, જેથી તેમના પર કોઈ આરોપ ન થઈ શકે.