Sun Aug 23 2026

Logo

આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ, નવી સિસ્ટમ બનતા ધોધમાર વરસાદ થશે

2026-08-11 08:24:00
Author: Mumbai Samachar Team
Article Image

AI Image


અમદાવાદ/નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ચોમાસુ જામ્યું છે. રાજધાની દિલ્હીથી લઈને દાદર સુધી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. સમયાંતરે પડી રહેલા વરસાદના કારણે દેશના અનેક શહેરનુ તાપમાન નીચું ઊતર્યું છે. અમદાવાદ શહેરમાં મંગળવારે (તા.11 ઓગસ્ટ 2026) વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સૂર્યનારાયણે દર્શન દેવાના બદલે વરસાદી વાદળોથી અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારો ઘેરાયા હતા. વહેલી સવારથી ઝરમર-ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદ શરૂ થતા જ વહેલી સવારે નોકરીએ જતા તેમજ શાળામાં જતા વિદ્યાર્થીઓને વરસાદી ઝાપટાનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે ઝાપટા વરસી શકે છે. 

હવામાન નિષ્ણાંતની આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 14 ઓગસ્ટથી એક લૉ પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ રહી છે. આના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 13 ઓગસ્ટના રોજ મધ્ય ગુજરાતમાં મહિસાગર, વડોદરા, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં ઝાપટા પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી જેવા જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે પાટણ, સમી તેમજ હારીજના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઝરમર ઝરમર વરસાદ પડશે. આ રાઉન્ડમાં સાબરકાંઠા અને અરવલ્લીની ગીરીમાળાની આસપાસના જિલ્લામાં ભારે વરસાદ થાય એવી પૂરી શક્યાતાઓ છે. 

લૉ પ્રેશર સિસ્ટમથી વરસાદ વધશે
14 ઓગસ્ટના રોજ તૈયાર થનારી લૉ પ્રેશર સિસ્ટમના કારણે વરસાદ વધશે.બંગાળની ખાડીમાં તૈયાર થયેલી આ સિસ્ટમ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ લાવી શકે છે. આ સિસ્ટમની સીધી અસર પશ્ચિમના રાજ્યોમાં ખાસ જોવા મળશે. જ્યારે 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીના સમયગાળામાં ફરી એકવાર વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે.આ દરમિયાન છૂટોછવાયો વરસાદ થશે.  23 ઓગસ્ટથી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે ઝાપટા પડી શકે છે. 31 ઓગસ્ટ સુધી આ નવી સિસ્ટમ સક્રિય રહી શકે છે. આ સમયગાળામાં જ નક્ષત્ર સંદર્ભ અનુસાર ફાલ્ગુની નક્ષત્ર બેસે છે. આ કારણે વરસાદ વધારે થવાની પૂરી સંભાવનાઓ છે. 

હવામાન ખાતાનો રિપોર્ટ
હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ તથા હરિયાણામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. સોમવારે બપોરના સમયે રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ થતા અનેક એવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ કારણે વાહનવ્યહારને સીધી અસર પહોંચી હતી. ગાજવીજ સાથે આગામી ત્રણ દિવસ સુધી આ રાજ્યોમાં વરસાદ પડશે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પશ્ચિમના રાજ્યોમાં 16 ઓગસ્ટથી નવી વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. જ્યારે મધ્ય પ્રદેશ, યુપી, હરિયાણા અને નવી દિલ્હીમાં વરસાદી વાદળો વરસાદ વરસાવશે. 13 ઓગસ્ટ અને 14 ઓગસ્ટના રોજ દિલ્હીમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. આ માહોલ વચ્ચે સ્વંતત્રતા પર્વની તૈયારીઓમાં થોડી અસર જોવા મળશે. જ્યારે ભારે પવન ફૂંકાતા વાતાવરણ થોડું ઠંડુ રહેશે. 

આ મહાનગરમાં પલટાયું વાતાવરણ
નવી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, લખનઉ, પટના, રાંચી, ભોપાલ, જયપુર, ઉદયપુર, શિમલા તેમજ નૈનીતાલ જેવા મહાનગરના વાતાવરણમાં એક મોટો પલટો જોવા મળ્યો હતો. વરસાદી માહોલને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. હવામાન વિભાગે અનેક રાજ્યોમાં હવામાન સ્થિતિ અંગે ચેતવણી જારી કરી છે. IMD અનુસાર, સોમવારે મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન મધ્યમ વરસાદ પણ પડી શકે છે.  છૂટાછવાયા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.