અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના શહેરો હાલમાં અગનભઠ્ઠી બની ગયા છે અને મંગળવારથી ગરમ લૂ અને અકડાવનારા તાપનો સામનો જનતા કરી રહી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર હજુ બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.
આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું ચાલુ રહેવાની આગાહી છે, ભારતીય હવામાન વિભાગએ ચેતવણી આપી છે કે કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થી 45 ડિગ્રી ની વચ્ચે રહેશે. 12 મે, 2026 ના રોજ જારી કરાયેલ હવામાન બુલેટિન અનુસાર, ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ઓછામાં ઓછા 19 મે સુધી સૂકુ હવામાન રહેવાની સંભાવના છે. 14 તારીખ બાદ તાપમાનમાં થોડો ફેરફાર નોંધાશે અને ગરમીનું પ્રમાણ થોડું ઘટશે, તેમ પણ હવામાન ખાતાએ જણાવ્યું હતું.
કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક શહેરોમાં ગરમીનો પારો 44 કે 45 સુધી પહોંચે તેવી સંભાવના છે. મંગળવારે સુરેન્દ્રનગર અને કંડલામાં પારો 45 ડિગ્રી પહોંચ્યો હતો જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી અને વડોદરામાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજકોટ, ભાવનગર, કેશોદ વગેરે શહેરોમાં પણ ગરમીનો પારો 41થી 43 ડિગ્રી વચ્ચે હતો.
Ai Generated Image