અમદાવાદઃ પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિકનો જેટલો ઓછો ઉપયોગ થાય તેટલું હિતાવહ છે. આ વાતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ અનુસાર રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
ભારત સરકારના 'પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૬' અને 'પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૧૬' અંતર્ગત પર્યાવરણને નુકસાન પહોંચાડતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિક-આધારિત સ્ટેશનરીનો તબક્કાવાર ઉપયોગ ઘટાડવામાં આવશે.
આ નિર્ણય સચિવાલયના તમામ વિભાગો, ખાતાના વડાની કચેરીઓ, જાહેર સાહસો, નિગમો, મંડળો, સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સરકારી યુનિવર્સિટીઓ તેમજ ગ્રાન્ટ-ઈન-એઈડ સહિતની તમામ સંસ્થાઓને લાગુ પડશે. દૈનિક કામગીરીમાં વપરાતા પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોના સ્થાને હવે કાગળ, શણ અથવા કાપડમાંથી બનેલા ઈકો-ફ્રેન્ડલી અને ટકાઉ ફાઈલ કવરનો ઉપયોગ કરવામાં આવશે.
હાલમાં કચેરીઓમાં ઉપલબ્ધ પ્લાસ્ટિક સ્ટેશનરીનો સ્ટોક પૂર્ણ થયા બાદ નવી તમામ ખરીદી સમયે આ પરિપત્રના નિર્દેશોને અનુસરવાના રહેશે.