ગાંધીનગર : 15મી ગુજરાત વિધાનસભાનું આઠમું અને અત્યંત મહત્વનું બજેટ સત્ર 25 ફેબ્રુઆરીના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ સત્ર દરમિયાન રાજ્યના સર્વાંગી વિકાસ માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.જેની વિગતો પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સત્રની પૂર્ણાહુતિ બાદ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલું આ બજેટ સત્રના 23 દિવસના સમયગાળામાં કુલ 27 બેઠકો યોજાઈ હતી. લોકશાહીના પર્વ સમાન આ સત્રના પ્રશ્નોત્તરી કાળમાં કુલ 237 તારાંકિત પ્રશ્નોની ગૃહમાં મુક્તમને ચર્ચા કરીને નાગરિકોની સમસ્યાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
UCC 2026 વિધેયક એ ગુજરાતનું ઐતિહાસિક વિધેયક બન્યું
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, આ સત્ર અનેક ઐતિહાસિક વિધેયકોનું સાક્ષી બન્યું છે. સત્ર દરમિયાન કુલ 9 જેટલા મહત્વના વિધેયકો અને સુધારા વિધેયકો ગૃહમાં પસાર કરવામાં આવ્યા છે. જેમાં 'ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC)2026 વિધેયક' એ ગુજરાતનું ઐતિહાસિક વિધેયક બન્યું છે. આ સત્ર દરમિયાન ગુજરાત અશાંત વિસ્તારો (સુધારા) વિધેયક પસાર કરીને સ્થાવર મિલકતની તબદીલી અને ભાડૂતોને રક્ષણ આપવા માટે મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે.
કુલ 9 વિધેયક પસાર કરવામાં આવ્યા
આ ઉપરાંત ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (GUJCTOC) સુધારા વિધેયક, ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક, ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) સુધારા વિધેયક, સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન (ગુજરાત સુધારા) વિધેયક સહિત કુલ 9 વિધેયક પસાર કરવામાં આવ્યા છે.
18 ફેબ્રુઆરીના રોજ રાજ્યનું રૂ. 4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ
મંત્રીએ જણાવ્યું હતું કે, નાણા મંત્રી કનુ દેસાઈએ 18 ફેબ્રુઆરીના રોજ રાજ્યનું રૂ. 4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું હતું, જે ગૃહમાં પારિત થયું છે. આ બજેટ પાંચ મુખ્ય સ્તંભો - સામાજિક સુરક્ષા, માનવ સંસાધન, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓ અને ગ્રીન ગ્રોથ પર આધારિત છે. આ બજેટનો મુખ્ય ધ્યેય નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રાજ્યના આર્થિક-સામાજિક વિકાસને નવા શિખરો પર લઈ જવાનો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
જનતાની ભાવનાને વાંચા આપવામાં આવી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિયમ 120 હેઠળ 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાષ્ટ્રીય એકતાનો સંકલ્પ રજૂ કર્યો હતો. આ ઉપરાંત ગૃહમાં ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ, સોમનાથ સ્વાભિમાન પર્વ - 1000 વર્ષનો ઇતિહાસ રિજિનલ વાઇબ્રન્ટ ગુજરાત અને વિકસિત ભારત જી રામ જી જેવા જનજાગૃતિના સંકલ્પો પણ રજૂ કરી જનતાની ભાવનાને વાંચા આપવામાં આવી હતી.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું
મંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, સત્ર દરમિયાન પ્રથમવાર વિધાનસભા પરિસરમાં એક ઐતિહાસિક પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માધ્યમથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધારાસભ્યોને પ્રાકૃતિક કૃષિની અને હાલના સમયમાં તેની તાતી જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું હતું.સત્રના સફળ સંચાલન બદલ મંત્રીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ પક્ષના સભ્યઓનો પણ આભાર માન્યો હતો. જેમણે જનતાના પ્રશ્નોને સચોટ રીતે રજૂ કર્યા હતા.