અમદાવાદઃ રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. આ દરમિયાન રાજ્યના નવ તાલુકામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. ઉપરાંત હજુ પણ ભારે વરસાદની આગાહી છે.
આ 9 તાલુકામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ
રાજ્યના 9 તાલુકામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માંગરોળમાં 107.49 ટકા, નવસારીના ચીખલીમાં 114.02 ટકા અને ખેરગામમાં 106.35 ટકા, વલસાડના ઉમરગામમાં 125.32 ટકા, સુરતના અંબિકામાં 112.16 ટકા, કામરેજમાં 103.69 ટકા, પલસાણામાં 118.78 ટકા, ખેડાના મહેમદાબાદમાં 107.03 ટકા, પાટણના સાંતલપુરમાં 103.18 ટકા વરસાદ પડી ચુક્યો છે. આ તાલુકાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી આ આંકડો વધશે.
આ તાલુકામાં 90 ટકાથી વધુ વરસાદ
મહેસાણાના જોટાણામાં 96.23 ટકા, અમદાવાદના માંડલમાં 93.80 ટકા અને વિરમગામમાં 96.03 ટકા, ભરૂચના નેત્રંગમાં 92.91 ટકા, તાપીના વાલોડમાં 97.13 ટકા અન ડોલવણમાં 97.84 ટકા, સુરતના બારડોલીમાં 93.25 ટકા અને સુરત શહેરમાં 92.89 ટકા, નવસારીના ગણદેવીમાં 9.46 ટકા અને વાંસદામાં 92.42 ટકા, વલસાડમાં 98.86 ટકા અને પારડીમાં 98.74 ટકા વરસાદ વરસ્યો છે.
આ તાલુકાઓમાં સૌથી ઓછો વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં 1.37 ટકા, કલ્યાણપુરમાં 1.86 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ભાણવાડમાં 6.20 ટકા, ખંભાળીયામાં 6.81 ટકા વરસાદ પડ્યો છે. પોરબંદમાં માત્ર 7.47 ટકા, કચ્છના અબડાસામાં 7 ટકા, અંજારમાં 9.80 ટકા, મુન્દ્રામાં 9.36 ટકા, બનાસકાંઠાના અમીરગઢમાં 10.86 ટકા, જામનગરમાં 13.25 વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં સિઝનનો કેટલો પડ્યો સરેરાશ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં સરેરાશ 52.03 ટકા વરસાદ થયો છે. કચ્છમાં 18.59 ટકા, ઉત્તર ગુજરાતમાં 34,90 ટકા, પૂર્વ-મધ્યમાં 43.21 ટકા, સૌરાષ્ટ્રમાં 43.33 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 76.39 ટકા વરસાદ વરસ્યો છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, આજે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. આવતીકાલથી વરસાદની સિસ્ટમ ધીમે ધીમે નબળી પડવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 26 - 27 જુલાઈ વરસાદી માહોલ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ બની શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની આવક વધવાની શક્યતા છે. જેના કારણે નર્મદા બંધના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે.