Mon Jul 27 2026

Logo

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ મુદ્દે સરકાર અને વિપક્ષ કેમ આવી ગયા સામસામે?  શું છે અસલી મુદ્દો?

2026-06-02 18:22:17
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ હાલમાં પર્યાવરણીય મંજૂરી, જૈવવિવિધતા અને આદિવાસી સમુદાયો પર તેની સંભવિત અસરોને લઈને ભારે વિવાદનું કેન્દ્ર બન્યો છે. તાજેતરમાં, કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશના આક્ષેપોનો જવાબ આપતા સ્પષ્ટ કર્યું હતું કે પ્રોજેક્ટનું મૂલ્યાંકન સંપૂર્ણપણે નિયમો અનુસાર અને વ્યાપક રીતે કરવામાં આવ્યું છે. જ્યારે જયરામ રમેશે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે આ પર્યાવરણીય મંજૂરી અધૂરા અને અપૂરતા આંકડાઓના આધારે આપવામાં આવી છે. આ સામસામા આક્ષેપોએ દેશના અત્યંત વ્યૂહાત્મક પ્રોજેક્ટની પારદર્શિતા અને તેની પર્યાવરણીય અસરો પર રાષ્ટ્રીય ચર્ચા જગાવી છે.

શું છે સમગ્ર મુદ્દો?
અંદામાન અને નિકોબાર ટાપુ સમૂહનો સૌથી દક્ષિણનો હિસ્સો, ગ્રેટ નિકોબાર, વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત સરકાર અહીં લગભગ 160  ચોરસ કિલોમીટર વિસ્તારમાં એક મેગા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાકાર કરવા જઈ રહી છે, જેમાં ઇન્ટરનેશનલ ટ્રાન્સશિપમેન્ટ કન્ટેનર પોર્ટ, સૈન્ય અને નાગરિક ઉપયોગ માટેનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક, ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એક નવું ગ્રીનફિલ્ડ શહેર બનાવવાની યોજના છે. આ ટાપુ ઈન્ડોનેશિયા અને મલેશિયા વચ્ચેથી પસાર થતાં દરિયાઈ વેપાર માર્ગ 'મલક્કા સ્ટ્રેટ'થી માત્ર 40 નોટિકલ માઈલ દૂર છે, જે ભારતને વૈશ્વિક દરિયાઈ વેપાર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મોટી વ્યૂહાત્મક લીડ અપાવી શકે છે.

આ પ્રોજેક્ટનો સૌથી મોટો વિરોધ પર્યાવરણીય નુકસાનને લઈને છે, જેમાં આશરે 13 હજાર હેક્ટર  ગાઢ જંગલો કાપવા પડી શકે છે. વિપક્ષના જણાવ્યા અનુસાર, પર્યાવરણ અસર આકારણી પ્રક્રિયામાં ખામીઓ હતી અને ઘણી સ્ટડી માત્ર એક જ સિઝનના ડેટા પર આધારિત હતી. ગ્રેટ નિકોબાર કોરલ રીફ, લેધરબેક દરિયાઈ કાચબા, નિકોબાર મેગાપોડ પક્ષી અને અનેક દુર્લભ વનસ્પતિઓનું ઘર છે. આ ઉપરાંત ગેલાથિયા બે ખાતે બનનારા ટ્રાન્સશિપમેન્ટ પોર્ટને કારણે દરિયાઈ ધોવાણ થવાની અને અત્યંત સંવેદનશીલ આદિવાસી સમુદાયોની સાંસ્કૃતિક ઓળખ તથા જીવનશૈલી જોખમમાં મુકાવાની ભીતી પણ પર્યાવરણવિદો વ્યક્ત કરી રહ્યા છે.

આ તમામ આક્ષેપોને ફગાવી દેતા, સરકારે બચાવમાં મજબૂત દલીલો રજૂ કરી છે. પર્યાવરણ પ્રધાને સ્પષ્ટ કર્યું કે પ્રોજેક્ટને EIA નોટિફિકેશન 2006 અને આઇલેન્ડ કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિયમો હેઠળ મંજૂરી અપાઈ છે. ગેલાથિયા બે અંગે તેમણે જણાવ્યું કે 'નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ' દ્વારા 17  વર્ષના સેટેલાઇટ ડેટાનો અભ્યાસ કરાયો છે, જેમાં તે વિસ્તાર સ્થિર હોવાનું અને ગંભીર ધોવાણનો કોઈ ખતરો ન હોવાનું જણાયું છે. 

આ સમગ્ર મામલો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સુધી પણ પહોંચી ચૂક્યો છે, જેણે પ્રોજેક્ટના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા માટે એક હાઈ પાવર્ડ કમિટીની રચના કરી હતી. જયરામ રમેશ આ કમિટીનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક મહત્વની માહિતી હોવાથી તેને રાઈટ ટુ ઈન્ફોર્મેશન કાયદા હેઠળ સંપૂર્ણપણે સાર્વજનિક કરી શકાય નહીં. સરવાળે, આ પ્રોજેક્ટ વિકાસ વિરુદ્ધ પર્યાવરણની એક મોટી ચર્ચા બની ગયો છે.