Mon Aug 24 2026

Logo

GPSCમાં નિષ્ફળ જનારા ઉમેદવારોને મળશે સરકારી-ખાનગી નોકરીની તક! જાણો સરકારની નવી પહેલ

2026-07-17 16:08:00
Author: Devayat Khatana
GPSCમાં નિષ્ફળ જનારા ઉમેદવારોને મળશે સરકારી-ખાનગી નોકરીની તક! જાણો સરકારની નવી પહેલ

અમદાવાદ: યુનિયન પબ્લિક સર્વિસીસ કમિશન (UPSC)ની જેમ જ ગુજરાતમાં પણ હજારો ઉમેદવારો સરકારી અધિકારી બનવા માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પરીક્ષાની તૈયારી કરતાં હોય છે. ગુજરાતની ટોચની આ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાના જુદા જુદા તબક્કામાંથી પસાર થતાં અનેક ઉમેદવારો અંતે ફાઇનલ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવી શકતા નથી. જો તમે પણ આવા જ કોઇ ઉમેદવાર છો કે જેણે GPSCની પરીક્ષાની પ્રિલિમ આપીને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છો પણ અંતે ફાઇનલ મેરિટમાં નથી સ્થાન પામી શક્યા તો પણ હવે તમને સરકારી કે ખાનગી નોકરીની ઓફર મળી શકે છે.

 

GPSC દ્વારા આ અંગ એક પહેલ શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે "અવસર". GPSC દ્વારા યોજવામાં આવતી ગુજરાત સરકારની વિવિધ ભરતીઓમાં રાજ્યના ઉમેદવારો ખૂબ જ ઉત્સાહથી ભાગ લેતાં હોય છે અને ખૂબ ખંત અને મહેનતથી સફળ થવા માટે પ્રયત્ન કરતાં હોય છે. ઘણીવાર જે ઉમેદવારો સફળ થતાં નથી તેવાં ઉમેદવારો પણ સતત આવનારી ભરતીઓ માટે પ્રયત્નશીલ રહેતાં હોય છે. 

આવાં ઉમેદવારો પોતાના પ્રયત્નમાં સફળ થાય ત્યાં સુધી તેઓને વૈકલ્પિક રોજગારી મળી રહે તથા ગુજરાત અને ભારત સરકારના જાહેર સાહસો, ખાનગી કંપનીઓ સહકારી સંસ્થાઓ વગેરેમાં રોજગારીનો અવસર મળે તથા આવી સંસ્થાઓને આવાં મહેનતુ, તેજસ્વી, ખંતિલા ઉમેદવારોનું માનવ સંસાધન ઉપલબ્ધ થાય તે હેતુથી આયોગની ભરતી પ્રક્રિયાના આખરી પરિણામોમાં અસફળ રહેલા અને પ્રતીક્ષાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને વિવિધ માન્ય સરકારી ક્ષેત્રો, જાહેર સાહસો (PSUs) તેમ જ પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થાઓમાં રોજગારીની વૈકલ્પિક અને ઉત્કૃષ્ટ તકો સરળતાથી મળી રહે તે માટે આયોગ દ્વારા એક મધ્યસ્થી માધ્યમ તરીકે "અવસર" મોડ્યુલ વિકસાવવામાં આવ્યું છે. 

હવે જે પણ ઉમેદવારો આયોગની આ પહેલનો લાભ લેવા માંગતા હોય અને પોતાનું નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી અને શૈક્ષણિક લાયકાતની માહિતી, રોજગારની તક આપવા માંગતી ગુજરાત/ભારત સરકારના જાહેર સાહસો, સરકારના બીજા વિભાગો, ખાનગી કંપનીઓ, સહકારી સંસ્થાઓ વિગેરેને શેર કરવાની સંમતિ આપવા માંગતા હોય તો, તેવા ઉમેદવારોએ  GPSC Ojas Portal પર જઈને તેમની માહિતી આપવાની રહેશે. 

અહીં જે ઉમેદવાર પોતાની વિગતો નોંધાવશે તેને ભવિષ્યમાં આપવામાં આવનારી જાહેરાતોમાં અરજી કરતી વખતે જ તે માહિતી આવી સંસ્થાઓને રોજગારીના હેતુથી શેર કરવા માંગે છે કે કેમ? તેની સંમતિ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આયોગ દ્વારા ગુજરાત તથા ભારત સરકારના વિવિધ સાહસોને સામેથી આ વ્યવસ્થાનો લાભ લઇ, પોતાની વિવિધ પ્રકારની માનવ સંસાધનની જરૂરિયાત માટે આયોગને વિનંતી કરી, ઈચ્છુક ઉમેદવારોની માહિતી મેળવી, તેઓનો સંપર્ક કરી તેઓને રોજગારીની તક પૂરી પાડી શકશે.

કોને મળશે લાભ?
GPSCની આ પહેલનો ભૂતકાળની ભરતીના ઉમેદવારો માટે એક અવસર બની રહેશે. આ માટે આયોગ દ્વારા લેવાયેલી અને છેલ્લા 5 વર્ષમાં પૂર્ણ થયેલી વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયાના આખરી પરિણામમાં અસફળ અને વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ થયેલ ઉમેદવારો આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ માટે GPSC-OJAS પોર્ટલ પર "અવસર" મોડ્યૂલમાં જઇને ઓનલાઇન સંમતિ પત્રક સબમિટ કરી શકશે.

આ પોર્ટલ પર ઉમેદવારે જાહેરાત ક્રમાંક તથા કન્ફર્મેશન નંબર આપીને સંમતિ આપવાની રહેશે. ઉમેદવાર જે તે જાહેરાતનું વર્ષ સિલેક્ટ કરતાં તેને તે વર્ષની તમામ જાહેરાતોની વિગતો ઉપલબ્ધ થશે તથા જો ઉમેદવાર કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તેઓની કન્ફર્મેશન નંબર મેળવવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. 
કોઈ ઉમેદવારની જગ્યાએ બીજા કોઈ ઉમેદવાર આવી સંમતિ આપી ન શકે તે હેતુથી OTPની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉમેદવારના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને રજીસ્ટર્ડ ઈ-મેલ આઈડી પર OTP જશે અને આ OTP દાખલ કર્યા બાદ જ સંમતિની પ્રક્રિયા પૂર્ણ થશે.