બોલીવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા હાલના દિવસોમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફ અને વિવાદોને કારણે વધારે ચર્ચામાં રહે છે. ગણેશોત્સવ દરમિયાન ગોવિંદા મુંબઈના સુપ્રસિદ્ધ 'લાલબાગચા રાજા'ના પંડાલમાં દર્શન કરવા પહોંચ્યા હતા. સફેદ કુર્તા અને ગળામાં ખેસ સાથે ટ્રેડિશનલ અંદાજમાં આવેલા ગોવિંદા સાથે તેમની આગામી ફિલ્મ 'રૂપા'ની કો-સ્ટાર કોમલ રાની સ્વર્ણકાર પણ ઉપસ્થિત જોવા મળી હતી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ગોવિંદા અને કોમલ રાનીના કથિત અફેરની ચર્ચાઓ ફરી જોર પકડવા લાગી છે. પત્ની સુનીતા વગર કો-સ્ટાર સાથે દર્શને પહોંચેલા ગોવિંદાને જોઈને નેટીઝન્સે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે. આ વિવાદ વચ્ચે ગોવિંદાની ભાણેજ-વહુ કશ્મીરા શાહે સોશિયલ મીડિયા પર 'ઘર તોડનારાઓ' સામે આકરો પલટવાર કર્યો છે.
ગોવિંદા અને તેમનાથી ઉંમરમાં નાની કો-સ્ટાર કોમલ રાની વચ્ચે સંબંધો હોવાની અફવાઓ લાંબા સમયથી ચાલી રહી હતી. આ બધા વચ્ચે ગણપતિ પંડાલમાંથી સામે આવેલા એક વીડિયોમાં બંને સાથે જોવા મળતાં સોશિયલ મીડિયા યુઝર્સ તેને સહજ રીતે સ્વીકારી શક્યા નથી. ચાહકો અને યૂઝર્સે પત્ની સુનીતાની ગેરહાજરી અને કો-સ્ટાર સાથે પંડાલમાં ગોવિંદાની હાજરી સામે અણગમો વ્યક્ત કર્યો છે.
કશ્મીરા શાહે પોતાની મામી-સાસુ સુનીતાના સમર્થનમાં ઈન્સ્ટાગ્રામ પર તીખા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, મને સમજાતું નથી કે લોકો આવી 'મિસ્ટ્રી વુમન'ને શા માટે ગ્લેમરાઈઝ કરી રહ્યા છે? ઘર તોડનારાઓને પ્રોત્સાહન આપવાનું અને પત્નીને છોડીને નાની ઉંમરની મહત્વાકાંક્ષી યુવતીઓ પાછળ ભાગતા પુરુષોને આદર્શ ગણવાનું બંધ કરો. આ અત્યંત ઘૃણાસ્પદ બાબત છે.
સોશિયલ મીડિયા પર કશ્મીરાની આ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને પત્નીની આ પોસ્ટ પર ગોવિંદાના ભાણેજ કૃષ્ણા અભિષેકે લાઈક કરીને પત્નીના નિવેદનને ખુલ્લું સમર્થન આપ્યું છે, જેનાથી પરિવાર વચ્ચેનો તણાવ ફરી સપાટી પર આવ્યો છે.
કશ્મીરા સિવાય ગોવિંદા અને કોમલ રાનીના દર્શનના વીડિયો સામે આવ્યા બાદ સુનીતા આહુજા મુંબઈ એરપોર્ટ પર પાલતુ શ્વાન સાથે જોવા મળ્યા હતા. પેપરાઝી સાથેની વાતચીતમાં તેમણે ટિપ્પણી કરી હતી કે, "પ્રાણીઓને પ્રેમ કરો, માણસોને નહીં... માણસો ધોખેબાજ હોય છે." કોઈનું સ્પષ્ટ નામ લીધા વિના તેમણે કરેલો આ કટાક્ષ સીધો ગોવિંદા તરફ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અહીંયા તમારી જાણકારી માટે કે ગોવિંદા અને સુનીતાના લગ્ન 1987માં થયા હતા. આ લગ્નજીવનથી તેમને બે સંતાનો યશવર્ધન અને ટીના છે. જોકે, છેલ્લાં કેટલાક સમયથી બંને વચ્ચે અંતર વધ્યાની ચર્ચાઓ સામે આવી રહી છે, જેમાં રિયાલિટી શો દરમિયાન પણ સુનીતાએ કેટલાક સંકેતો આપ્યા હતા.