(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) ટ્વિન ટનલ પ્રોજેક્ટ માટે પહેલી ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ના છુટ્ટા ભાગનું સંપૂર્ણપણે જોડવાનું કામ ગુરુવારે પૂર્ણ થઈ ગયું હતું. બહુ જલદી ટનલનું ખોદકામ શરૂ કરવામાં આવવાનું છે.
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે જણાવ્યું હતું કે તમામ ટૅક્નિકલ અને સલામતી પરીક્ષણો પૂર્ણ થયા પછી અને પ્રમાણિત થયા બાદ ટીબીએમ ટનલ બનાવવાનું શરૂ કરવામાં આવવાનું છે. મશીને સાઈટ પર જ તેની મૅકેનિકલ, ઈલેક્ટ્રિકલ, હાઇડ્રોલિક, કંટ્રોલ ઍન્ડ સૅફટી સંબંધિત આવરી લેતા તમામ પરીક્ષણો સફળતાપૂર્વક પસાર કર્યા છે.
૧૨.૨ કિ.મી. લાંબી જીએમએલઆર મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરો વચ્ચે સીધી પૂર્વ-પશ્ર્ચિમ લિંક પ્રદાન કરશે. આ લિંક રોડમાં ગોરેગાંવમાં દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીથી મુલુંડમાં ખિંડીપાડા સાથે જોડતી ૪.૭ કિ.મી. લાંબી ટ્વિન ટનલ બાંધવામાં આવવાની છે. બંને ટનલ ૪.૭૦ કિલોમીટરની છે.
આ ટનલનો વ્યાસ ૧૪.૨૦ મીટર હશે, જે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની નીચે ૧૩ મીટરની રહેશે, જેથી જંગલ, ડુંગરાળ ભૂપ્રદેશ અને જળ સંસ્થાઓ પર અસર ઓછી થાય. આ પ્રોજેક્ટમાં જાપાનથી આયાત કરાયેલા બે અદ્યતન ટીબીએમનો ઉપયોગ કરવામાં આવશે. પહેલું ટીબીએમ ટનલ ખોદશે, જ્યારે બીજું એસેમ્બલીના અંતિમ તબક્કામાં છે. એકવાર કાર્યરત થયા પછી બંને મશીનો એકસાથે ટ્વિન ટનલને બોર કરશે, જે બાંધકામને નોંધપાત્ર રીતે વેગ આપશે.
સિંગલ શીલ્ડ અર્થ પ્રેશર બેલેન્સ (ઈપીબી) હાર્ડ રોક ટૅકનોલૉજી પર બનેલ ટીબીએમ મુંબઈના પડકારજનક બેસાલ્ટ ખડકોની રચનાઓમાંથી સુરક્ષિત રીતે ખોદકામ કરવા માટે બનાવેલું છેે. તેમાં ૧૪.૪૯-મીટર કટરહેડ છે અને ૮૩ મીટર લાંબું છે, જેમાં ૨૨-મીટર શીલ્ડ અને ૬૧-મીટર થ્રી-ડેક બેકઅપ ગેન્ટ્રીનો સમાવેશ થાય છે. તે સંપૂર્ણપણે ઑટોમેટિક મક-હેન્ડલિંગ સિસ્ટમથી પણ સજ્જ છે, જેમાં ૩૪૦-મીટર ક્ધવેયર નેટવર્ક, ક્રોસ ક્ધવેયર અને સ્ટેકર ક્ધવેયરનો સમાવેશ થાય છે, જે કાટમાળને ઝડપી દૂર કરવા, મેન્યુઅલ હસ્તક્ષેપ ઘટાડવા અને ઓપરેશનલ સલામતીમાં સુધારો કરવા સક્ષમ બનાવે છે, એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ ફેબ્રુઆરી ૨૦૨૯ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હોઈ આ પ્રોજેક્ટ પૂરો થવાની સાથે જ ગોરેગાંવ, કાંદિવલી અને બોરીવલીથી મુલુંડ, થાણે અને નવી મુંબઈ સુધી ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને ઐરોલી દ્વારા ઝડપી રૂટ પૂરો પાડીને પૂર્વ-પશ્ર્ચિમ કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે, જ્યારે મુંબઈના હાલના મુખ્ય રસ્તાઓ પર ભીડ ઓછી કરશે.