Wed Aug 19 2026

Logo

ખાટુ શ્યામના શ્રદ્ધાળુઓ માટે ખુશખબરી, સુંદરપુરા ખાતે બનશે  રેલવે સ્ટેશન

2026-08-02 20:01:29
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: રાજસ્થાનના પ્રસિદ્ધ ખાટુ શ્યામ મંદિરના શ્રદ્ધાળુઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુંદરપુરા ખાતે આધુનિક ખાટુ શ્યામ રેલવે સ્ટેશન બનાવવાની જાહેરાત કરી છે. જેનાથી શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચવામાં સરળતા રહેશે. 

રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ હશે

રેલવે મંત્રીના  જણાવ્યા મુજબ  દેશભરમાંથી આવતા  શ્રદ્ધાળુઓ માટે  નવું રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર  મુસાફરો સુવિધાઓ, સીમલેસ કનેક્ટિવિટી અને આધુનિક માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવશે. 

તેમજ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ  ખાટુ શ્યામ ધામની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે મુસાફરી પહેલા કરતાં ઘણી સરળ અને વધુ અનુકૂળ બનશે.

અશ્વિની વૈષ્ણવે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી

આ અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, યાત્રાળુઓની સુવિધા અને સરળ મુસાફરીને સરળ બનાવવા માટે સુંદરપુરા ખાતે એક આધુનિક ખાટુ શ્યામ રેલ્વે સ્ટેશન બનાવવામાં આવશે.

લાખો શ્રદ્ધાળુઓ ખાટુ શ્યામ મંદિરના દર્શને આવે છે

ઉલ્લેખનીય છે કે, પ્રખ્યાત ખાટુ શ્યામ મંદિર રાજસ્થાનના સીકરના ખાટુ શહેરમાં આવેલું છે. દર વર્ષે દિલ્હી અને અન્ય શહેરોમાંથી લાખો શ્રદ્ધાળુઓ ખાટુ શ્યામ મંદિરના દર્શન કરવા માટે આવે છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ખાટુ શ્યામ જી મંદિરના દર્શન માટે રીંગસ મુખ્ય રેલ્વે સ્ટેશન છે.દિલ્હીથી રિંગાસ સુધી આઠ જોડી મેઇલ/એક્સપ્રેસ ટ્રેનો ઉપલબ્ધ છે.

રૂપિયા 254 કરોડના ખર્ચે પ્રોજેક્ટ 

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા વર્ષે લોકસભામાં માહિતી આપી હતી કે રાજસ્થાનમાં રીંગસ અને ખાટુ વચ્ચે સીધો રેલ સંપર્ક સ્થાપિત કરવા માટે રૂપિયા 254 કરોડના ખર્ચે 17 કિલોમીટર લાંબી નવી રેલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પણ શરૂ થઈ ગયું છે.