(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 1.2 ટકાના ઘટાડા સાથે ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએથી અને ચાંદીના ભાવ 0.2 ટકા ઘટીને બે સપ્તાહની ઊંચી સપાટીએથી પાછાં ફર્યાં હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે વિશ્વ બજાર પાછળ ભાવમાં કિલોદીઠ રૂ. 1163નો ઘટાડો આવ્યો હતો, જ્યારે સોનામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1017થી 1021 વધી આવતાં બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યાં હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિકમાં મુખ્યત્વે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી અને ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1163ના ઘટાડા સાથે રૂ. 2,62,912ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જેમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1017 વધીને રૂ. 1,58,603 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1021 વધીને રૂ. 1,59,241ની સપાટીએ રહ્યા હતા.
જોકે, સોનામાં સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી, પરંતુ રોકાણકારોની છૂટીછવાઈ રોકાણલક્ષી માગ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે સતત ચાર સત્ર પશ્ચાત્ નફારૂપી વેચવાલીનું દબાણ રહેતા હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.2 ટકા ઘટીને ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએથી પાછાં ફરીને આૈંસદીઠ 5170.89 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.7 ટકા ઘટીને 5190.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તે જ પ્રમાણે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએથી પાછાં ફરીને આૈંસદીઠ 88.08 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે સોનામાં આૈંસદીઠ 5249 ડૉલરની ઊંચી સપાટીએથી નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હોવાનું માર્કેટ પ્લસના વિશ્લેષક ઝેઈન વાવદાએ જણાવતાં ઉમેર્યું હતું કે આ સિવાય ટ્રમ્પ દ્વારા જાહેર કરેલા ટૅરિફના દરને કારણે ટૂંકા સમયગાળા માટે સ્પષ્ટતા થઈ જતાં સલામતી માટેની માગમાં પણ ઘટાડો થયો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારના સુપ્રીમ કોર્ટના ચુકાદા પશ્ચાત્ ટ્રમ્પે શનિવારે 15 ટકા એકસમાન ટૅરિફની જાહેરાત કરી હતી.
તેમ જ ગઈકાલે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલમાં પીછેહઠ કરનાર દેશો સામે વિવિધ કાયદા હેઠળ ઊંચી ટૅરિફ લાદવામાં આવશે એવી ચેતવણી પણ ઉચ્ચારી હતી. વધુમાં હવે રોકાણકારોની નજર આગામી ગુરુવારે જિનિવા ખાતે યોજાનારા અમેરિકા-ઈરાન વચ્ચે ન્યૂક્લિયર અંગેની વાટાઘાટોના ત્રીજા રાઉન્ડ પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આગામી દિવસોમાં જો ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધે તો સોનાના ભાવ વધીને આૈંસદીઠ 5210થી 5249 ડૉલર સુધી વધે તેવી શક્યતા નકારી ન શકાય, એમ વાવદાએ ઉમેર્યું હતું.