Tue Aug 18 2026

Logo

વૈશ્વિક સોનામાં ચમકારો આવ્યા બાદ ડૉલર મજબૂત થતાં પીછેહઠ છતાં માસિક ધોરણે પાંચ મહિના પછી 1.1 ટકાનો ઉછાળો

2026-08-01 19:17:52
Author: Ramesh Gohil
Article Image

બેતરફી વધઘટમાં સ્થાનિક સોનામાં અથડાઈ ગયેલી માગ 

રમેશ ગોહિલ 


વીતેલા સપ્તાહના મધ્ય સુધી પશ્ચિમ એશિયાનો ભૂરાજકીય તણાવ હળવો થવાના આશાવાદે ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, ત્યાર બાદ અમેરિકાએ ઈરાન પર અને ઈરાને અમેરિકાના સહયોગી દેશો પર હુમલાઓ ચાલુ રાખ્યા હોવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવ વધી આવતા ફુગાવામાં વધારો થવાની અને અમેરિકી ફેડરલ રિઝર્વ સહિતની કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા સોના અને ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો. જોકે, વૈશ્વિક સોનામાં પાંચ મહિનાના લાંબા સમયગાળા પછી અથવા તો ગત ફેબ્રુઆરી પછી પહેલી વખત ગત જુલાઈ મહિનામાં સોનાના ભાવમાં માસિક ધોરણે 1.1 ટકા જેટલો વધારો નોંધાયો હતો. વધુમાં ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્‌‍ રાખ્યા હતા. પરંતુ ફેડરલના અધ્યક્ષ કેવિન વાર્શે વધતા ફુગાવાને અંકુશમાં રાખવાની પ્રતિબદ્ધતા દાખવી હોવાથી આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી ભીતિ સપાટી પર આવી હતી. 

આમ વૈશ્વિક બજારનાં બેતરફી વધઘટના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહે બન્ને કિંમતી ધાતુઓના ભાવ બેતરફી વધઘટે અથડાઈ ગયા હતા. વધુમાં ગત સપ્તાહ દરમિયાન સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાપ્તાહિક ધોરણે 110 પૈસા મજબૂત થયો હોવાથી સ્થાનિકમાં ખાસ કરીને સોનાની આયાત પડતરો ઘટી આવતા વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે સ્થાનિકમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 24મી જુલાઈના રૂ. 1,43,781ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,44,532ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,42,291 અને ઉપરમાં રૂ. 1,44,532ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે 0.64 ટકા અથવા તો રૂ. 921ના ઘટાડા સાથે રૂ. 1,42,860ની સપાટીએ બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ ચાંદીના ભાવ આગલા સપ્તાહના અંતના કિલોદીઠ રૂ. 2,22,721ના બંધ સામે રૂ. 2,24,771ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,16,566 અને ઉપરમાં રૂ. 2,24,771ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે 1.98 ટકા અથવા તો રૂ. 4426ના ઘટાડા સાથે રૂ. 2,18,295ના મથાળે રહ્યા હતા. 

હાલને તબક્કે લગ્નસરાની મોસમ પૂરી થઈ ગઈ હોવાથી તેમ જ કોઈ તહેવારો પણ ન હોવાથી બન્ને કિંમતી ધાતુઓમાં રિટેલ સ્તરની માગ શુષ્ક રહેતી હોવાથી જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. આમ એકંદરે જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નિરસ રહેતી હોવાથી ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમ જ રોકાણકારોએ હાલમાં નવી ખરીદી માટે થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવી હોવાનું જ્વેલરોએ જણાવ્યું હતું. જોકે, વૈશ્વિક બજાર પાછળ ચાંદીમાં પણ બેતરફી વધઘટને ધ્યાનમાં લેતા ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહી હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર ચાંદીના ભાવમાં થતી બેતરફી વધઘટને ધ્યાનમાં લેતા ચીનના બજાર નિયામકોએ સોલાર કપંનીઓને સ્પર્ધાત્મકતાનો પ્રતિકાર કરવા અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચાંદીનો ઉપયોગ સોલાર ઉદ્યોગમાં ખાસ કરીને સોલાર ફોટેવોલ્ટેઈક પેનલનાં મુખ્ય કાચા માલ તરીકે થાય છે.

એકંદરે વિશ્વ બજારમાં ગત સપ્તાહનો અંત સાપ્તાહિક ધોરણે સાધારણ ઘટાડા સાથે અને ચાંદીના ભાવમાં 1.5 ટકા અસપાસના ઘટાડા સાથે થયો હતો. તેમાં પણ ખાસ કરીને સોનામાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને રોકાણકારોએ નફો ગાંઠે બાંધ્યો હોવા છતાં માસિક ધોરણે ભાવમાં 1.1 ટકા જટેલી વૃદ્ધિ દાખવી છે અને ભાવ મહત્ત્વની ટેકાની આૈંસદીઠ 4000 ડૉલર આસપાસની સપાટી આસપાસ રહ્યા હતા. વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વે ગત સપ્તાહની બે દિવસીય નીતિવિષયક બેઠકનાં અંતે વ્યાજદર જાળવી રાખ્યા હતા, પરંતુ ભવિષ્યની નીતિ અંગે અધ્યક્ષ કેવિન વાર્શે મર્યાદિત માર્ગદર્શન આપ્યું હોવાથી હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી 65 ટકા શક્યતા મૂકી રહ્યા હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી સપ્તાહમાં સોનાચાંદીના ભાવની વધઘટ મુખ્યત્વે પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવની સ્થિતિ અને ક્રૂડતેલના ભાવની વધઘટ પર અવલંબિત રહેશે. જોકે, ઈજિપ્તના દામિએટા બંદર નજીક થયેલા તાજેતરનાં ડ્રોન હુમલાઓએ સુએઝ કેનાલ મારફતે થતાં શિપિંગ અંગે નવી ચિંતાઓ ઊભી કરી છે અને તેને કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાનો ઉમેરો થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનામાં આૈંસદીઠ 4000 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને 4250 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થશે, જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ આૈંસદીઠ 54થી 60 ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા છે. વધુમાં સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,39,500થી 1,44,600ની રેન્જમાં અને ચાંદીના વાયદામાં ભાવ રૂ. 1,99,000થી 2,20,000ની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. 

દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના આૈંસદીઠ ભાવ આગલા બંધ સામે 1.3 ટકા ઘટીને 4049.83 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 1.3 ટકાના ઘટાડા સાથે 4107 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.1 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 57.76 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે ગત સપ્તાહે જાહેર થયેલા અમેરિકાના જૂન મહિનાના ફુગાવામાં અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ જોવા મળી હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવામાં ઉતાવળ નહીં કરે એવો આશાવાદ સપાટી પર આવ્યો હોવાથી તેમ જ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ અટકતાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો થયો હોવાથી મહિનાના મધ્ય સુધીમાં સોનામાં સુધારો જોવા મળ્યો હતો. તેમ છતાં હાલના તબક્કે વૈશ્વિક સોનાને આૈંસદીઠ 4000 ડૉલર આસપાસની સપાટીએ મજબૂત ટેકો મળી રહ્યો હોવાનું બાયબીટનાં વિશ્લેષક હેન તેને જણાવ્યું હતું.