Wed Aug 19 2026

Logo

અમેરિકાના જુલાઈ મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા અપેક્ષા કરતાં નબળા આવતા સોના-ચાંદી ઝળક્યા

2026-08-08 19:07:00
Author: Ramesh Gohil
Article Image

વર્ષ 2027નાં પહેલા છમાસિક ગાળામાં સોનાના વૈશ્વિક ભાવ 5000 ડૉલર સુધી પહોંચવાનો યુબીએસનો અંદાજ 

વીતેલા સપ્તાહ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે ભૂરાજકીય તણાવ હળવો થવાના આશાવાદ સાથે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં ફુગાવામાં વધારો થવાનું જોખમ હળવું થતાં અમેરિકી ફેડરલ રિઝર્વ પણ નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડતાં વિશ્વ બજારમાં સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓનાં ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. તેમ જ હાજરમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ગત જાન્યુઆરી સાત સપ્તાહનો સૌથી મોટો સાત ટકા કરતાં વધુ માત્રાનો ઉછાળો નોંધાયો હતો.

વધુમાં ગત સપ્તાહના અંતે જાહેર થયેલા અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ તંગ નાણાનીતિ નહીં અપનાવે તેવી શક્યતા વધુ પ્રબળ બનવાની સાથે સાથે ચીન સહિતની કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી જળવાઈ રહેતાં સપ્તાહના અંતે સોનાની તેજીને વધુ ટેકો મળ્યો હતો. તેમ જ યુબીએસએ વર્ષ 2027નાં પહેલા છમાસિક ગાળામાં સોનાના વૈશ્વિક ભાવ 5000 ડૉલર સુધી પહોંચવાનો યુબીએસનો અંદાજ મૂક્યો હોવાનું એક નોટ્સમાં જણાવ્યું હતું. 

આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહે બન્ને કિંમતી ધાતુઓમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું અને સપ્તાહના અંતે ભાવ ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. જોકે, ગત સપ્તાહ દરમિયાન સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાપ્તાહિક ધોરણે 26 પૈસાનો સુધારો આવ્યો હોવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 31મી જુલાઈનાં 10 ગ્રામદીઠ રૂ. 1,42,860ની સામે સાધારણ સુધારા સાથે રૂ. 1,42,863ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,42,557 અને ઉપરમાં સપ્તાહના અંતે રૂ. 1,49,621ની સપાટીએ બંધ રહ્યા હતા. આમ સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે 4.73 ટકા અથવા તો 10 ગ્રામદીઠ રૂ. 6761નો ઉછાળો આવ્યો હતો. તે જ પ્રમાણે 999 ટચ ચાંદીમાં સપ્તાહના આરંભે વેરારહિત ધોરણે ભાવ આગલા સપ્તાહના અંતના કિલોદીઠ રૂ. 2,18,295ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 2,18,400ના મથાળે ખૂલ્યા બાદ ઉપરમાં સપ્તાહના અંતે રૂ. 2,31,181ના મથાળે બંધ રહ્યા હતા. આમ ચાંદીના ભાવમાં સાપ્તાહિક ધોરણે કિલોદીઠ રૂ. 12,886નો અથવા તો 5.90 ટકાનો ઉછાળો આવ્યો હતો. 

એકંદરે ગત સપ્તાહે બન્ને કિંમતી ધાતુઓમાં તેજીનો ઝડપી પવન ફૂંકાઈ જવાથી માગ મર્યાદિત રહી હતી. ખાસ કરીને સોનામાં છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું જ્વેલરોએ જણાવતાં ઉમેર્યું હતું કે નજીકના ભવિષ્યમાં કોઈ મોટા તહેવારો ન હોવાથી ઘણાં જ્વેલરોએ નવી ખરીદી માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હોય તેમ જણાય છે. તે જ પ્રમાણે ચાંદીમાં પણ ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી લેવાલી જળવાઈ રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને સ્ટોકિસ્ટોની લેવાલી એકંદરે નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તાજેતરમાં તેનાં અહેવાલમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે જોખમી પરિબળો ઓછાં થતાં સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં સુધારાને ટેકો મળશે. વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવ હળવો થવાથી ક્રૂડતેલના ભાવમાં તીવ્ર ઘટાડો આવતાં અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર નહીં જાળવે તેવો આશાવાદ સપાટી પર આવતાં વૈશ્વિક સોનું આૈંસદીઠ 4000 ડૉલરની મહત્ત્વની ટેકાની સપાટીએથી પાછું ફર્યું હતું.

વધુમાં મધ્યપૂર્વનાં દેશોમાં તણાવ હળવો થવાની શક્યતાએ ક્રૂડતેલના ભાવ ઘટતાં ફુગાવામાં વધારાની ચિંતા હળવી થવાથી અને સપ્તાહના અંતે જાહેર થયેલા અમેરિકાના જુલાઈ મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટામાં 80,000 રોજગારના ઉમેરાના અંદાજ સામે 23,000 રોજગારમાં ઘટાડો થયો હોવાના નિર્દેશો હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નાણાનીતિમાં હળવું વલણ અપનાવે તેવો આશાવાદ સપાટી પર આવતાં સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે સોના અને ચાંદીના ભાવની વધઘટનો આધાર વાસ્તવિક વ્યાજદર, ડૉલરની વધઘટ, વૈશ્વિક આર્થિક વૃદ્ધિનાં અંદાજો, કેન્દ્રવર્તી બૅન્કોની ખરીદી, એશિયન બજારોની માગ અને ફુગાવાની સ્થિતિ પર વધુ અવલંબિત રહેશે. અમારા મતે આગામી સપ્તાહે સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,45,000થી 1,60,000ની રેન્જમાં અને ચાંદીના વાયદામાં કિલોદીઠ ભાવ રૂ. 2,20,000થી 2,40,000ની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે. 

અત્રે નોંધનીય બાબત એ છે કે યુબીએસએ ગત સપ્તાહે એક નોટ્સમાં આગામી વર્ષ 2027નાં પહેલા છમાસિકગાળામાં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 5000 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. જોકે, નજીકનાં સમયગાળાનાં જોખમો યથાવત્‌‍ રહેશે, એમ નોટ્સમાં ઉમેર્યું હતું. યુબીએસએ જણાવ્યું હતું કે હાલમાં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 4295 ડૉલર આસપાસની રેન્જમાં રહે છે, પરંતુ ગત જાન્યુઆરી અંતની આૈંસદીઠ 5594.82 ડૉલરની વિક્રમ સપાટીએથી 23 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણે મધ્યપૂર્વનાં ભૂરાજકીય તણાવને કારણે ફુગાવો વધી આવતાં અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર રાખે તેવી શક્યતા પ્રબળ બનતાં રોકાણકારોનો સોનાની ખરીદીમાં નિરુત્સાહ રહ્યો હતો. જોકે, યુબીએસના મતાનુસાર ફુગાવામાં ક્રમશઃ ઘટાડો થશે અને ફેડરલ રિઝર્વ વર્ષ 2027માં હળવી નાણાનીતિ અપનાવે તે પૂર્વે વ્યાજદર જાળવી રાખશે, એવું અમારું માનવું છે. 

દરમિયાન ગત સપ્તાહના અંતે અમેરિકાનાં જુલાઈ મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા અપેક્ષા કરતાં નબળા આવતા હાજર અને વાયદામાં સોનાના ભાવ આગલા બંધ સામે 2.3 ટકા વધીને અનુક્રમે આૈંસદીઠ 4336.02 ડૉલર અને 4399.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ત્રણ ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 63.29 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે અમેરિકાના રોજગારીના ડેટા અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડવાની સાથે ડૉલર ઈન્ડેક્સ પણ નબળો પડતાં સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું હાઈ રિજ ફ્યુચર્સના વિશ્લેષક ડેવિડ મીજરે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે સપ્તાહના અંતે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા જે અગાઉ 57 ટકા દર્શાવતા હતા તે શક્યતા હવે ઘટીને 43.9 ટકા દર્શાવી રહ્યા હતા.