સ્થાનિકમાં ઘટ્યા મથાળેથી ગૂડીપડવાની છૂટીછવાઈ તહેવારી માગ
ગત 28મી ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઈઝરાયલ દ્વારા સંયુક્તપણે ઈરાન પર હુમલા કરવામાં આવ્યા બાદ તેના પ્રતિકાર રૂપે ઈરાન દ્વારા પણ ઈઝરાયલ સહિત જ્યાં અમેરિકા લશ્કરી બેઝ ધરાવે છે તે અખાતી દેશો પર હુમલા કરવામાં આવ્યા હતા. તેમ જ ઈરાને ખનીજ તેલ અને કુદરતી ગૅસના પરિવહન માટેનાં મુખ્ય દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ કરી દેતાં ઈંધણનાં પરિવહનનો સમયગાળો લંબાઈ જવાની સાથે નૂરભાડા વધવાની સાથે રિફાઈનરીઓ પર હુમલા થવાને કારણે પુરવઠાખેંચની ભીતિ પણ સપાટી પર આવતા અત્યાર સુધીમાં ક્રૂડતેલના ભાવમાં પણ 50 ટકા કરતાં વધુ માત્રાનો ઉછાળો આવી ગયો છે.
આમ ક્રૂડતેલના ભાવ વધારા સાથે વિશ્વભરમાં ફુગાવો વધવાની તેમ જ અર્થતંત્રો પર માઠી અસર પડવાની ભીતિ સપાટી પર આવી હતી. તેમ જ વધતા ફુગાવાના સંજોગોમાં કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પાતળી બનવાથી અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાને કારણે યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવમાં પછેહઠ જોવા મળી રહી છે.
જોકે, ગત સપ્તાહના અંતે એેક તબક્કે સોનામાં બાર્ગેઈન હંટિંગ નીકળતાં ભાવમાં એક ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ અમેરિકા મધ્યપૂર્વના દેશોમાં વધુ લશ્કરી ટૂકડીઓ મોકલી રહ્યું હોવાના અહેવાલો વહેતા થતાં યુદ્ધ વધુ ભીષણ થવાની સાથે ક્રૂડતેલના ભાવ વધુ ઉછળે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સપ્તાહના અંતે હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી વધુ 1.8 ટકા તૂટીને આૈંસદીઠ 4563.64 ડૉલર આસપાસ અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 0.7 ટકા ઘટીને 4574.90 ડૉલર આસપાસ તથા ચાંદીના ભાવ 4.8 ટકાના કડાકા સાથે આૈંસદીઠ 69.39 ડૉલર આસપાસના મથાળે રહ્યાના અહેવાલ હતા.
વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહે બન્ને કિંમતી ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે ગત સપ્તાહે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાપ્તાહિક ધોરણે 123 પૈસાનો કડાકો બોલાઈ ગયો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો વધી આવતાં વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 13મી માર્ચના 10 ગ્રામદીઠ રૂ. 1,58,399ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. 1,56,436ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,47,218 અને ઉપરમાં રૂ. 1,56,436ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 11,181 અથવા તો 7.05 ટકા ઘટીને સપ્તાહની નીચી રૂ. 1,47,218ની સપાટીએ બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે હાજરમાં વેરારહિત ધોરણે ચાંદીના કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 13મી માર્ચનાં રૂ. 2,60,488ના બંધ સામે ઘટીને રૂ. 2,52,793ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,29,873 અને ઉપરમાં રૂ. 2,54,028ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 28,124 અથવા તો 10.79 ટકા ઘટીને રૂ. 2,32,364ના મથાળે બંધ રહ્યા હતા.
એકંદરે ગત સપ્તાહે સોનામાં ભાવઘટાડાતરફી વલણ અને ગૂડીપડવાનો પવિત્ર તહેવાર હોવાથી રિટેલ માગનો ટેકો મળ્યો હોવાનું મુંબઈ સ્થિત એક જ્વેલરે જણાવતા ઉમેર્યું હતું કે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં સામાન્યપણે ગૂડીપડવાના દિવસને સોના-ચાંદી સહિતની અસ્ક્યામતોની ખરીદી માટે શુકનવંતો દિવસ ગણવામાં આવે છે. વધુમાં ગત સપ્તાહે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિકમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં પીછેહઠ જોવા મળી હોવાથી રિટેલ સ્તરની માગનો ટેકો મળતાં સ્થાનિકમાં ડીલરો દ્વારા ઓફર કરવામાં આવતાં સોનાના ભાવ પરના ડિસ્કાઉન્ટમાં ઘટાડો જોવા મળ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ગત સપ્તાહે ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 75 ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા, જ્યારે આગલા સપ્તાહે ડિસ્કાઉન્ટ આૈંસદીઠ 83 ડૉલર આસપાસની સપાટીએ રહ્યું હતું. જોકે, હાલમાં વર્તમાન નાણાકીય વર્ષનાં અંતિમ દિવસો ચાલી રહ્યા હોવાથી ગત સપ્તાહે જ્વેલરી ઉત્પાદકોની સોના અને ચાંદીમાં લેવાલી પાંખી રહી હોવાનાં અહેવાલ હતા.
પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂરાજકીય તણાવ અને ક્રૂડતેલના ભાવમાં વધારો થતાં ફુગાવામાં વૃદ્ધિ થતાં વૈશ્વિક અર્થતંત્રો પર માઠી અસર પડવાની શક્યતાને ધ્યાનમાં લેતાં ગત સપ્તાહે વૈશ્વિક બજારમાં સતત ત્રીજા સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં સાપ્તાહિક ધોરણે ભાવઘટાડો નોંધાયો હતો અને અનુક્રમે છ ટકાનો અને 10 ટકા જેટલો ઘટાડો થયો હતો.
એકંદરે ક્રૂડતેલના ભાવવધારાની માઠી અસર તમામ ક્ષેત્રો પર પડતી હોવાથી ફુગાવાલક્ષી દબાણ વધવાને કારણે કેન્દ્રવર્તી બૅન્કો નાણાનીતિ હળવી કરે તેવી શક્યતા ઓછી થતાં હવે રોકાણકારો સોના અને ચાંદીમાં રોકાણ હળવું કરીને ડૉલર તથા ટ્રેઝરી તરફ વાળી રહ્યા હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વ વર્તમાન વર્ષ 2026માં હવે વ્યાજદરમાં કાપ નહીં મૂકે અને હાલના વ્યાજદર લાંબા સમયગાળા સુધી જળવાઈ રહેશે એવું બજાર વર્તુળો માની રહ્યા છે.
આ ઉપરાંત ફુગાવામાં થનારી વૃદ્ધિને ધ્યાનમાં લેતા યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ ઈંગ્લેન્ડ અને બૅન્ક ઑફ જાપાન પણ વ્યાજદરમાં કાપ નહીં મૂકે એવું બજાર વર્તુળોનું માનવું છે. હાલની વૈશ્વિક ભૂરાજકીય સ્થિતિ અને વધી રહેલા ક્રૂડતેલના ભાવને ધ્યાનમાં લેતાં અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનામાં આૈંસદીઠ 4280 ડૉલરની સપાટી ટેકાની સપાટી અને 4780 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થશે અને ચાંદીના ભાવ આૈંસદીઠ 62થી 78 ડૉલર આસપાસની રેન્જમાં રહેશે, જ્યારે સ્થાનિકમાં ઓનલાઈન વાયદામાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,31,000થી 1,50,000ની રેન્જમાં અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 2,08,000થી 2,47,000ની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
જોકે, ક્વૉન્ટિટેટિવ કૉમોડિટી રિસર્ચનાં વિશ્લેષક પીટર ફર્ટિગે જણાવ્યું હતું કે મધ્યપૂર્વની ચિંતાને ધ્યાનમાં લેતાં હાલના તબક્કે સોનાના ભાવ આૈંસદીઠ 4500 ડૉલર સુધી ઘટી શકે છે, પરંતુ જો યુદ્ધ લંબાઈ જવાનો ભય સપાટી પર આવે તો ભાવ 5000 ડૉલર સુધી પણ પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.