(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે નજીક ઘોડબંદર રોડ પર રાતના સમયે હંગામો મચાવનારા યુવકે પેવરબ્લૉકથી હુમલો કરતાં પોલીસ સબ-ઈન્સ્પેક્ટરનો જીવ ગયો હતો. પોલીસ ટીમે આરોપીને પકડી પાડી તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
ચિતળસર માનપાડા પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ રાજુ પ્રેમકુમાર વાલ્મિકી (30) તરીકે થઈ હતી. થાણેના પોખરણ રોડ નંબર-બે ખાતેના ગાંધી નગરમાં રહેતા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
સબ-ઈન્સ્પેક્ટર કિસન ભોઈર ટીમ સાથે ગુરુવારની રાતે 11 વાગ્યાની આસપાસ પોખરણ રોડ નંબર-બે પર સુભાષનગર ખાતે પેટ્રોલિંગ પર હતા ત્યારે પાનના એક સ્ટૉલ પાસે લોકોની ભીડ નજરે પડી હતી. વાહન ઊભું રખાવી ભોઈર તપાસ માટે ગયા હતા. નક્કી કરેલી સમયમર્યાદામાં સ્ટૉલ બંધ કરવાનું સ્ટૉલના માલિકને ભોઈરે કહેતાં આરોપી બૂમાબૂમ કરવા લાગ્યો હતો.
પોલીસ સાથે બોલાચાલી કરી હંગામો મચાવનારા આરોપીને પોલીસના વાહનમાં બેસાડવામાં આવ્યો હતો. ‘ગાડીમાં શા માટે બેસાડ્યો... પોલીસને એવો કોઈ અધિકાર નથી,’ કહીને આરોપીએ ભોઈર પર હુમલો કર્યો હતો. મારપીટ કરી આરોપી વાહનમાંથી કૂદીને ભાગવા લાગ્યો હતો.
કહેવાય છે કે આરોપી એક બસ પાછળ સંતાઈ ગયો હતો. ભોઈર તેની પાછળ બસ નજીક પહોંચ્યા ત્યારે વાલ્મિકીએ પેવરબ્લૉક ભોઈરના માથા પર ફટકાર્યો હતો. માથામાં ગંભીર ઇજા સાથે ભોઈર જમીન પર પટકાયા હતા. હુમલા બાદ પાસેની ગલીમાં ભાગી ગયેલા આરોપીને પોલીસની ટીમે પીછો કરી પકડી પાડ્યો હતો.
દરમિયાન લોહીલુહાણ હાલતમાં ભોઈરને કોન્સ્ટેબલ ગંગાધર ઘુટે રિક્ષામાં ટાઈટન હૉસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા, એવું અધિકારીએ જણાવ્યું હતું. આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.