ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં વિજય નગર વિસ્તારમાં આવેલી ગૌર સિદ્ધાર્થમ્ સોસાયટીમાં મંગળવારે સાંજે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. આ સોસાયટીના 'I' ટાવરના 15મા માળેથી 16 વર્ષની સગીરા નીચે પટકાતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ દરમિયાન બાળકીના રૂમમાંથી એક નોટ મળી આવી છે, જેમાં અભ્યાસના ભારે દબાણ (Academic Pressure)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસને સગીરાના ઘરેથી સુસાઈડ નોટ મળી
આ સમગ્ર મામલે વિજય નગર થાણા પ્રભારી ધર્મપાલ સિંહના જણાવ્યા પ્રમાણે, મંગળવારે સાંજે આશરે 7:00 વાગ્યે ડાયલ-112 પર સોસાયટીમાંથી કિશોરી 15માં માળેથી નીચે પડી હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમે ત્વરિત પહોંચીને ગંભીર રીતે ઘવાયેલી સગીરાને હોસ્પિટલ પહોંચાડી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાસ્થળની બારીકાઈથી તપાસ કરતાં પોલીસને એક નોટ હસ્તગત થઈ છે. આ નોટમાં તેણે પોતાની ભણતરની સ્થિતિ અને એકેડેમિક પ્રેશર વિશે ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ આ આત્મહત્યા છે કે, પછી કોઈ બીજુ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
સગીરાના મોતથી પરિવારજનોમાં શોક વ્યાપ્યો
ઘટનાસ્થળેથી મળેલી નોટને ફોરેન્સિક અને પોલીસ તપાસનો ભાગ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ મૃતક સગીરાના પરિવારજનો, મિત્રો અને સોસાયટીના લોકોના નિવેદનો નોંધી રહી છે. આ બનાવ પાછળ માત્ર ભણતરનું દબાણ હતું કે અન્ય કોઈ માનસિક તણાવ, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને વાલીઓ માટે બાળકના માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો આ એક ગંભીર સંદેશ છે.