Thu Aug 20 2026

Logo

ઘાટકોપરમાં ભેખડ ધસી પડવાની ઘટના

2026-08-13 08:59:00
Author: Yogesh C. Patel
Article Image

 

સાંકડા માર્ગને કારણે બચાવ કામગીરી પડકારજનક બની

એક સમયે એક જ વ્યક્તિ પસાર થઈ શકે એવી ગલી: મશીન ગોઠવવાની જગ્યા ન હોવાથી બકૅટથી કાટમાળ ખસેડવો પડ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરમાં ડુંગરાળ વિસ્તારમાં બાંધવામાં આવેલાં ઘરો પર ભેખડ ધસી પડ્યા પછી સાંકડા માર્ગને કારણે રહેવાસીઓને બચાવવાની કામગીરી રેસ્ક્યૂ ટીમ માટે પડકારજનક બની રહી હતી. એક સમયે એક જ વ્યક્તિ પસાર થઈ શકે એટલી સાંકડી ગલી અને તેમાં મશીનની ગોઠવણી શક્ય ન હોવાથી બકૅટથી કાટમાળ ખસેડવો પડ્યો હતો. આવી મુશ્કેલ પરિસ્થિતિને કારણે રેસ્ક્યૂ ઑપરેશન જેટલું ઝડપી થવું જોઈતું હતું તે થઈ શક્યું નહોતું.

ચિરાગ નગર પાસેના અશોક નગરમાંની ગૌશિયા ચાલ પર બુધવારના મળસકે ભૂસ્ખલન થયું ત્યારે રહેવાસીઓ ભરઊંઘમાં હતા. મંગળવારે આખો દિવસ વરસાદ પડ્યો હોવાથી વાતાવરણ ઠંડું હતું, જેને કારણે મીઠી નિંદર માણી રહેલા રહેવાસીઓને ભેખડ ધસી પડવાનો અણસાર સુધ્ધાં આવ્યો નહોતો.

મોટી શિલાઓ ત્રણથી ચાર ઘર પર તૂટી પડી હતી અને પછી માટી આસપાસની ચાલીઓમાં ફરી વળી હતી. વરસાદને કારણે માટી ચીકણી થઈ ગઈ હોવાથી સહેલાઈથી ચાલી પણ શકાતું નથી. તેમાં સાંકડી ચાલીઓ રેસ્ક્યૂ ટીમ માટે માથાનો દુખાવો બની હતી.

પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે ભેખડ ધસી પડી તે સ્થળે જવા માટેનો માર્ગ એટલો સાંકડો હતો કે એક સમયે એક જ વ્યક્તિ પસાર થઈ શકે. બે વ્યક્તિ સામસામી ઊભી રહી શકે એટલી પણ જગ્યા નહોતી. પરિણામે જખમીઓને બહાર કાઢવામાં ખાસ્સી જહેમત ઉઠાવવી પડી હતી.

અધિકારીના કહેવા મુજબ વધુમાં વધુ ત્રણ ફૂટની જ પગદંડી હોવાથી કાટમાળ ખસેડવામાં પણ તકલીફ પડતી હતી. સાંકડી જગ્યાને કારણે મશીનરીનો ઉપયોગ કરી શકાતો નહોતો. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફના જવાનો બકૅટની મદદથી કાટમાળ ખસેડીને દટાયેલા રહેવાસીઓને બચાવી રહ્યા હતા.

મૃતકના પરિવારને ચાર લાખની સહાય
ભૂસ્ખલનની ઘટના બનતાં વૉર્ડ સમિતિના અધ્યક્ષ વિજયેન્દ્ર શિંદે, મહાપાલિકાના એડિશનલ કમિશનર (પૂર્વ ઉપનગરો) ડૉ. અવિનાશ ઢાકણે, એલ વૉર્ડનો ચાર્જ સંભાળતા આસિસ્ટન્ટ કમિશનર અનિલ જાધવ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુંબઈનાં મેયર રિતુ તાવડેએ પણ ઘટનાસ્થળે પહોંચી પીડિતોના કુટંબીજનોને સાંત્વના આપી હતી અને અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલી વ્યક્તિની દરેક વ્યક્તિના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાયની તેમણે જાહેરાત કરી હતી. એ સિવાય જખમીઓને 50 હજાર રૂપિયાની તબીબી મદદ પણ તેમણે જાહેર કરી હતી.

સૂચના અને જનજાગૃતિની અવગણના
ભેખડ ધસી પડવાનું જોખમ હોય એવા સ્થળે રહેતા લોકોને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા વારંવાર સૂચના અને નોટિસ આપવામાં આવતી હોવા છતાં તેને ગંભીરતાથી લેવામાં આવતી નથી. આ અંગે પાલિકા દ્વારા જનજાગૃતિ કરાય છે તો સંબંધિત સ્થળોએ બૅનર્સ લગાવવામાં આવતાં હોય છે. આમ છતાં રહેવાસીઓ દ્વારા અવગણના કરવામાં આવતી હોવાનું પાલિકાનું કહેવું છે. ખાસ કરીને ચોમાસા પૂર્વેની તૈયારીઓ દરમિયાન ભૂસ્ખલનવાળાં સ્થળોએ રહેતા લોકોને નોટિસ આપવામાં આવે છે. પાલિકાના કહેવા મુજબ અશોક નગર ટેકરી નંબર-3ના રહેવાસીઓને પાલિકા દ્વારા સંભવિત જોખમ અંગે જાણકારી આપી સ્થળાંતરની સૂચના અપાઈ હતી. જોકે પાલિકાની ચેતવણી કાને ન ધરવાને કારણે આવી ઘટનાઓમાં રહેવાસીઓ જીવ ગુમાવતા હોવાનું કહેવાય છે.

સપ્તાહ અગાઉ જ રહેવા આવેલો પરિવાર કાટમાળ નીચે દટાયો
ઘાટકોપરની ભેખડ ધસી પડવાની ઘટનામાં જીવ ગુમાવનારો પરિવાર અઠવાડિયા અગાઉ જ ત્યાં રહેવા આવ્યો હતો, એવી માહિતી મળી રહી છે. રહેવાસીઓના કહેવા મુજબ વતનથી આવેલા આ પરિવારે હાલમાં જ ઘર ખરીદ્યું હતું. તે સમયે સ્વજનો અને એ પરિસરમાં રહેતી એક પરિચિત મહિલાએ આ પરિવારને ઘર ખરીદવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. ભેખડ ધસી પડવાનું જોખમવાળો પરિસર હોવાની વાતથી સચેત કર્યો હતો, પરંતુ અન્યત્ર ઘર ખરીદવાની આર્થિક ત્રેવડ ન હોવાથી પરિવારે જીવના જોખમે આ પરિસરમાં રહેવું પડ્યું હતું.