મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના (Jolly Gymkhana)ની ક્રિકેટ સબ કમિટી દ્વારા આયોજિત `જૉલી પ્રીમિયર લીગ સીઝન 15'ની પૂર્ણાહુતિ તારીખ 1-3-26ના રોજ થઈ હતી જેમાં `મીડિયા વર્ક્સ'ની ટીમ ચૅમ્પિયન થઈ હતી.
જૉલી પ્રીમિયર લીગ (Premiere league)માં કુલ 19 ટી-10 મૅચ રમાડવામાં આવી હતી જેમાં ફાઇનલમાં ઝયનોવા સેલબી તથા મીડિયા વર્ક્સની ટીમ વચ્ચે મુકાબલો થયો હતો.
પ્રથમ બૅટિંગ કરતા ઝયનોવા સેલબીનો સ્કોર 10 ઓવરને અંતે 5/109ના હતો. જવાબમાં મીડિયા વર્ક્સની ટીમે માત્ર 7.2 ઓવરમાં એક વિકેટના ભોગે 112 રન બનાવીને આસાન વિજય મેળવી લીધો હતો. ટૂર્નામેન્ટને અંતે આ પુરસ્કાર અપાયા હતાઃ બેસ્ટ બૅટ્સમૅન ઑફ ધ ટૂર્નામેન્ટ-જય સાંગાણી (125 રન ), બેસ્ટ બોલર-પાર્થ અડવાણી (8 વિકેટ ) તથા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ-સુજય શાહ 128 રન તથા 8 વિકેટ). વિજેતા તથા ઉપવિજેતાને જૉલી ટી-10ની ટ્રોફી ચૅરમૅન રજનીકાંત શાહ, સેક્રેટરી મુકેશ બદાણી, સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પરાગ ગાંધી, કારોબારી સભ્યો તથા ક્રિકેટ સબ કમિટીના મેમ્બર્સની હાજરીમાં આપવામાં આવી હતી.
ચૅરમૅન રજનીકાંત શાહે જણાવ્યું હતું કે `કારોબારી ટ્રસ્ટી મનોજ અજમેરા તથા સમગ્ર ટ્રસ્ટીગણ અને કારોબારી સભ્યો હંમેશાં રમતગમતને પ્રોત્સાહન આપે છે. આ સમગ્ર ટૂર્નામેન્ટનું સંયોજન ક્રિકેટ ઇન્ચાર્જ નિશિથ ગોળવાલાની આગેવાની હેઠળ ક્રિકેટ સબ કમિટી દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 15-03-26ના ઘાટકોપર-ચેમ્બુરની 16 ટીમ વચ્ચે લૅડીઝ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન ક્રિકેટ લૅડીઝ સબ કમિટી તથા મલ્ટી ટર્ફ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે.