Tue Apr 21 2026

Logo

ગીતા મહિમાઃ સત્ત્વ, રજ ને તમથી પર ગુણાતીત જ્ઞાન

2026-03-23 12:39:00
Author: Sarang Prit
Article Image

 

સારંગપ્રીત


ગત અંકમાં જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેયને સ્પષ્ટ કરીને હવે ભગવાન કૃષ્ણ ગુણાતીત જ્ઞાન તરફ લઈ જઈ રહ્યા છે, તે સમજીએ...

જ્ઞાનના ત્રણ પ્રકાર પ્રસિદ્ધ છે- તામસિક, રાજસિક અને સાત્ત્વિક ! 
તામસિક જ્ઞાન અજ્ઞાનના અંધકારમાં ફસાયેલું હોય છે. તે અસત્યને સત્ય સમજે છે અને અંધવિશ્વાસ, આળસ તથા મોહમાં અભિવ્યક્ત થાય છે. તામસિક જ્ઞાન ધરાવનાર વ્યક્તિ તથ્યને ઊલટું સમજે છે, તે ખોટા માર્ગને સાચો માને છે. તેની વિચારશક્તિ ધૂંધળી બની જાય છે અને તે પોતાના સ્વાર્થ, અહંકાર કે ક્રોધવૃત્તિના આધારે નિર્ણય લે છે. આવું જ્ઞાન માનવને નિમ્નતા તરફ લઈ જઈ તેની ચેતનાને સંકુચિત કરે છે. તે ન તો આધ્યાત્મિક ઉન્નતિ આપે છે, ન તો જીવનમાં સુખશાંતિ!

રાજસિક જ્ઞાન તે છે, જે જ્ઞાનનો ઉપયોગ મનુષ્ય સ્વાર્થ, પ્રતિષ્ઠા અને ભૌતિક સફળતા માટે કરે છે. રાજસિક જ્ઞાન ધરાવનાર વ્યક્તિ ચતુર હોય છે, પરંતુ તેની ચતુરાઈ હંમેશાં પોતાની સિદ્ધિ, પ્રભાવ અને પ્રતિષ્ઠા માટે જ હોય છે. તે જ્ઞાનને સાધન બનાવે છે લોકપ્રિયતા, ધન અથવા સત્તા મેળવવા માટે ! આવા જ્ઞાનમાં ઊર્જા તો હોય, પરંતુ દિશા ન હોય. એ મનુષ્યને સ્પર્ધા, ઈર્ષા અને અસંતોષના વલયમાં આવૃત્ત કરે છે. 

રાજસિક જ્ઞાન કદી શાંતિ આપતું નથી, કારણ કે તેનો આધાર અહંકાર અને અપેક્ષાઓ પર નિર્ભર છે. જેમ અગ્નિ પ્રકાશ પણ આપે છે અને દઝાડે પણ છે, તેમ રાજસિક જ્ઞાન માનવને ભૌતિક સફળતા તરફ આગળ ધપાવે છે, પણ મનની શાંતિને ભસ્મ કરે છે. તેનું પરિણામ અસંતુષ્ટિ અને ખાલીપો છે.

જ્ઞાનના ત્રણ પ્રકારોમાં સાત્ત્વિક, રાજસિક અને તામસિકમાં રાજસિક અને તામસિક જ્ઞાન મનુષ્યને આધ્યાત્મિક માર્ગથી વિમુખ કરે છે અને તેને ભ્રમ, અહંકાર તથા દુ:ખ તરફ દોરે છે. આ બંને જ્ઞાનથી વરિષ્ઠ જ્ઞાન, સાત્ત્વિક જ્ઞાન છે. જે ઉન્નતિકારક છે.

જ્ઞાનને સાત્ત્વિક બનાવવા માટે પ્રથમ આવશ્યક છે એકાગ્રતા, સમતા અને શાંતતા ! બહુધારા વૃત્તિથી ભરેલું જ્ઞાન કદી સાત્ત્વિક બની શકતું નથી. જેમ પાણી ઉપર ધૂળ ચડે તો ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું નથી, તેમ ચલાયમાન કલુષિત ચિત્તમાં સત્યનું પ્રતિબિંબ દેખાતું નથી. 

બીજું તત્ત્વ છે શુદ્ધ ચિત્ત. જ્યાં મન કામ, ક્રોધ, લોભ અને ઈર્ષ્યા જેવી તામસિક પ્રવૃત્તિઓથી મુક્ત થાય છે, ત્યાં જ્ઞાન પ્રકાશિત બને છે. શાસ્ત્રો કહે છે કે સાત્ત્વિક જ્ઞાન સદા સ્થિર અને શુભ હોય છે. આવા જ્ઞાનથી મનુષ્યને લોકમાં સમભાવ અને બધા પ્રત્યે પ્રેમ જન્મે છે.

તદુપરાંત જ્ઞાનની સાત્ત્વિકતા ત્યારે વધે છે, જ્યારે તે શાસ્ત્રોથી સિંચિત થાય. શાસ્ત્રોના જ્ઞાન વિના જ્ઞાન સૂકું રહે છે, તે માત્ર શબ્દોમાં બંધાયેલી બુદ્ધિ બને છે. પરંતુ શાસ્ત્રોના સંસર્ગથી જ્ઞાનમાં શુદ્ધિ, શ્રદ્ધા અને તત્પરતાની લાગણી ઉમેરે છે. આવી રીતે સદ્વાંચન સાત્ત્વિક જ્ઞાનને પ્રેરિત કરે છે. 

પરંતુ સાત્ત્વિક જ્ઞાનમાં હજી એક સૂક્ષ્મ મર્યાદા રહે છે ‘હું જાણું છું’, ‘હું કરું છું’ એવી સૂક્ષ્મ અહંકારની છાયા ત્યાં રહે છે. આથી એ જ્ઞાન અતિ શુદ્ધ હોવા છતાં, હજી પણ ગુણોની સીમામાં બંધાયેલું રહે છે.

બીજી તરફ, એ સ્થિતિ છે જ્યાં મનુષ્ય સત્ત્વ, રજ અને તમ ત્રણેય ગુણોને અતિક્રમી જાય છે. તેને ગુણાતીત જ્ઞાન કહે છે. અહીં જ્ઞાન માત્ર બુદ્ધિપ્રધાન નથી રહેતું; એ અનુભૂતિરૂપ બની જાય છે. તે વ્યક્તિને ‘જ્ઞાતા’, ‘જ્ઞાન’ અને ‘જ્ઞેય’ ત્રણેયનો બોધ કરાવે છે. આ જ્ઞાનમાં ‘હું’ ભાવ રહેતો નથી, ફક્ત બ્રહ્મ અને પરબ્રહ્મ જ પ્રધાન રહે છે.

સાત્ત્વિક જ્ઞાન મનુષ્યને ધર્મી બનાવે છે, ગુણાતીત જ્ઞાન મનુષ્યને મુક્ત બનાવે છે. સાત્ત્વિક જ્ઞાનમાં ભક્તિ, વિનય, સમભાવ અને કરુણા જેવા ગુણો ફૂલે છે, જ્યારે ગુણાતીત જ્ઞાનમાં એ બધા ગુણો પોતે પરમાત્માની સ્વાભાવિક અભિવ્યક્તિ બની જાય છે. 

મહંતસ્વામી મહારાજ કહે છે- ગુણાતીત જ્ઞાન પામવા ગુણાતીત સત્પુરુષની જરૂર પડે. ગુણાતીત જ્ઞાનમાં ભક્તિ ભળેલી હોય. ભક્તિ વિના જ્ઞાન સૂકું છે, અને જ્ઞાન વિના ભક્તિ અંધ છે. બંનેનું સમન્વય જ સાચી ગુણાતીત સ્થિતિમાં છે. જે જ્ઞાન મનુષ્યને પરબ્રહ્મની સાચી ભક્તિ તરફ લઈ જાય, જેનાથી જીવનમાં શાંતિ, પ્રેમ અને પ્રકાશ પ્રસરે એ જ જ્ઞાન ગુણાતીત છે.

આથી જ શાસ્ત્રો કહે છે - તામસિક, રાજસિક અને સાત્ત્વિક જ્ઞાનથી પર ગુણાતીત જ્ઞાન તરફ વળવું એ જ સાચી સાધના છે. કારણ કે જ્યાં સુધી જ્ઞાન ગુણાતીત સ્થિતિ સુધી પહોંચતું નથી, ત્યાં સુધી બ્રાહ્મી સ્થિતિ શક્ય નથી.