Sat May 02 2026

Logo

ગૌતમ ગંભીરે એઆઇ ડીપફેક અને બનાવટી વીડિયો બદલ 16 પક્ષો વિરુદ્ધ 2.50 કરોડનો દાવો માંડ્યો

2026-03-19 20:48:13
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ ભારતીય ટીમનો હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ડીપફેક અને બનાવટી વીડિયોથી પરેશાન છે જેને કારણે તેણે દિલ્હી હાઈ કોર્ટમાં 16 પક્ષ વિરુદ્ધ પિટિશન નોંધાવીને તેમની પાસેથી કુલ 2.50 કરોડ રૂપિયાનું વળતર મેળવવાનો દાવો કર્યો છે.

ગૌતમ ગંભીરે એવી સંસ્થાઓ પાસેથી વળતર (Compensation) મેળવવાનો દાવો કર્યો છે જેઓ ગંભીરના નામ અને તસવીરોનો ગેરકાયદે ઉપયોગ કરીને પોતાનો સામાન વેચતી છે તેમ જ ખોટી જાણકારી ફેલાવવા એઆઇ વીડિયો તથા ડીપફેકનો પણ ઉપયોગ કરી રહી છે.

સોશ્યલ મીડિયા તેમ જ ઇ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સ પર પોતાના નામ, ચહેરા અને અવાજનો ઉપયોગ કરીને આ સંસ્થાઓ (પક્ષો)એ બનાવેલા બનાવટી ક્નટેન્ટ હટાવવાની માગણી પણ ગંભીરે કરી છે. ગંભીર હવે એવા બૉલિવૂડ અભિનેતાઓ અને ક્રિકેટરોની હરોળમાં આવી ગયો છે જેઓ અગાઉ આ પ્રકારની (એઆઇ ડીપફેક તથા બનાવટી વીડિયો સંબંધિત) પિટિશન નોંધાવી ચૂક્યા છે. ગંભીરે જે 16 પક્ષ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે એમાં આ સોશ્યલ મીડિયા અકાઉન્ટ હોવાનું મનાય છેઃ જેન્કે ફ્રેમ્સ, ભુપેન્દ્ર પેઇન્ટોલા, લેજન્ડ્સ રિવૉલ્યૂશન, ગુસ્તાખેડિટ્સ, ક્રિકેટ-મીમર્સ45, જેમ્સઑફક્રિકેટ્સ, ક્રિકેઇથ, સની ઉપાધ્યાય, વગેરે.

એવું મનાય છે કે 2025ના વર્ષની શરૂઆતથી ગૌતમ ગંભીરની કાનૂની ટીમે ઇન્સ્ટાગ્રામ, એક્સ, યુટ્યૂબ તથા ફેસબુક પર ગંભીર વિશેના બનાવટી ક્નટેન્ટ તથા વીડિયોનું પ્રમાણ વધી ગયું છે. એમાં એઆઇ, ફેસ-સ્વૅપિંગ અને વૉઇસ-ક્લોનિંગ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને અસલી લાગે એવા વીડિયો બનાવવામાં આવ્યા હતા જેમાં ગંભીરને એવા નિવેદનો આપતો બતાવવામાં આવ્યો હતો જે તેણે ક્યારેય આપ્યા જ નહોતા. એમાંના એક બનાવટી વીડિયોમાં ગંભીરને હેડ-કોચના હોદ્દા પરથી રાજીનામું આપતો બતાવવામાં આવ્યો હતો. એ વીડિયો 29 લાખથી વધુ વખત જોવામાં આવ્યો હતો.